Sunday, March 20, 2016

BIRBAL NO JANM

અકબર અને બિરબલ બિરબલનો જન્મ….

           મહેશદાસ જ્યારે મોટો થયો ત્યારે તે પોતાની બધી જ સંપત્તિ તથા અકબર બાદશાહે આપેલી વીંટી તથા માતાના આશિષ લઈને પોતાનું નસીબ અજમાવવા ભારતની રાજધાની ગણાતા ફત્તેહપુર સીક્રી જવા નીકળી પડ્યો.
 તે આ નવી રાજધાનીની ચમક દમક જોઈને અંજાઈ ગયો. ત્યાં જામેલા લોકોના ટોળાને વીંધીને તે લાલ દીવાલોવાળા આલીશાન રાજમહેલ પાસે પહોચી ગયો.તે તેણે કદી ન દીઠેલા એવા રાજમહેલના સુંદર,ભવ્ય,કલાત્મક પ્રવેશદ્વારને જોતો જે રહ્યો મહેશદાસ  દ્વારમાંથી પ્રવેશ કરવા જતો હતો ત્યારે રાજાના એક  દરવાને પોતાનો ધારદાર ભાલો હવામાં વીંઝીને, આડો કરીને તેને રોક્યો અને બોલ્યો;”તું ક્યાં જવા માંગેછે? તેનો તને વિચાર આવે છે?”                  
       મહેશદાસ નમ્રતાથી બોલ્યો;” ;;”સાહેબ, હું અહીં રાજાને મળવા આવ્યો છું.” દરવાને કટાક્ષમાં કહ્યું; “હા..હા..રાજા તારી જ રાહ જોઈને બેઠા  હશે કે તું ક્યારે તેમને મળે, ખરું ને?”  મહેશદાસે સ્મિત કરતાં કહ્યું; “હા સાહેબ, અને હું અહીં છું.” પછી તરત જે તેણે ઉમેર્યું; “તમે તમારા રાજા માટે રણમેદાનમાં બહુ જ બહાદુરીથી લડ્યા હશો પરંતુ આશા રાખું કે અત્યારે મને રાજમહેલની અંદર જતો રોકીને તમે તમારા જાનનું જોખમ નહીં વહોરો. દરવાન એક ક્ષણ માટે અટકી ગયો પણ તરત જ હિંમતથી બોલ્યો, “ તું આવું કેમ વિચારે છે? જો તું આવું ગમેતેમ બોલવાનું બંધ નહીં કરે તો હું તારું માથું છૂંદી નાંખીશ.                     મહેશદાસ તેનાથી ડરીને હાર માને તેમ ન હતો.તેણે તરત જ  તેને, રાજાએ આપેલી વીંટી બતાવી.હવે એવો કોણ હોય કે જે અકબર બાદશાહની વીંટીને ન ઓળખતો હોય ? વીંટી જોઈને પોતાની મરજી ન હોવા છતાં મહેશદાસને રાજમહેલમાં જવા દેવો પડશે એવું દરવાનને લાગ્યું.તેણે છલ્લે કહ્યું; “ભલે, તું એક શરતે અંદર જઈ શકે છે.” મહેશદાસે પૂછ્યું; “કઈ શરત? દરવાન બોલ્યો; “તને રાજા જે પણ ઈનામ આપે તેમાંથી અડધો ભાગ તારે મને આપી દેવાનો.તને આ મંજૂર છે? મને વચન આપ.”                     મહેશદાસ બોલ્યો;”ભલે, મને તારી શરત મંજૂર છે.હું તને વચન આપું છું.” દરવાને મહેશદાસને અંદર જવા દીધો મહેશદાસ તો અંદર ને અંદર જતો ગયો.છેવટે તે સોનાના રાજસિંહાસન સામે પહોંચી ગયો.તેણે જોયું કે રાજસિંહાસન પર તેજસ્વી પણ ખૂબ સાદો માણસ બેઠેલો હતો. તે તરત જ પારખી ગયો કે તે જ અકબર બદશાહ હતો.તેની આસપાસ ઘણા માણસો બેઠેલા હતા.મહેશદાસ બધાની વચ્ચેથી પસાર થઈને રાજા પાસે પહોંચી ગયો અને  નમન કરીને બોલ્યો; “હે પૂર્ણ ચન્દ્ર જેવા સમ્રાટ,આપનો પડછાયો કાયમ માટે વિશાળ રહો. “અકબર તેના શબ્દોથી ખુશ થયો અને બોલ્યો; “બોલ યુવાન તારે મારી પાસેથી શું જોઈએ છે?”               મહેશદાસ તરત નમ્રતાથી બોલ્યો; “નામદાર, હું તમારા કહેવાથી અહીં આવ્યો છું.”અને તેણે બાદશાહે વર્ષો પહેલાં આપેલી વીંટી બતાવી. રાજા પોતાની વીંટી ઓળખી ગયો અને વર્ષો પહેલાનો પ્રસંગ તેને યાદ આવી ગયો. રાજાએ કહ્યું; “બોલ,તારી શું ઈચ્છા છે?તે પૂરી કરવાનો હું પ્રયત્ન કરીશ.” મહેશદાસને પોતે દરવાનને આપેલું વચન  યાદ આવી ગયું.તે બોલ્યો; “સમ્રાટ, જો આપ મને કાંઈ આપવા માંગતા હોય તો મારી પીઠ પર સો કોરડા મરાવો.” રાજાને તો નવાઈ લાગી.આ તે કેવી માંગણી? તેણે કહ્યું;”આ તે કેમ બને? તેં મારું કશું બગાડ્યું નથી છતાં હું તને કેવી રીતે કોરડા મરાવી શકું?” મહેશદાસ બોલ્યો; “નામદાર,તમે તમારા વચનમાંથી કેવી રીતે ફરી શકો? તમે મારી ઈચ્છા પૂરી કરવાનું કહ્યું હતુ ને? તો આ મારી ઈચ્છા છે.” રાજાએ કચવાતા મનથી, બહુ દુઃખી થઈને સો કોરડા ફટકારવાનો હુકમ કર્યો.બધાની નવાઈ વચ્ચે મહેશદાસે ખૂબ હિંમત અને શાંતિથી પીઠ પર પડતા કોરડા સહન કર્યા.બરાબર પચાસ કોરડા પૂરા થયા એટલે તરત મહેશદાસ બોલ્યો; “હવે અટકી જાઓ.” અકબરે પૂછ્યું; “કેમ ? શું થયું?” મહેશદાસ બોલ્યોઃ; “સમ્રાટ, હું અંદર આવતો હતો ત્યારે એક દરવાને મને અંદર આવતા રોક્યો હતો અને મારી પાસેથી વચન લીધું હતું કે તમે મને જે ઈનામ આપો  તેમાંથી મારે તેને અડધો ભાગ આપવો.મેં મારા ઈનામનો અડધો ભાગ લઈ લીધો.હવે તે દરવાનનો વારો છે.બાકીનો અડધો ભાગ  દરવાનને આપો.” બધા ખડખડટ હસી પડ્યા.દરવાનને તેની ખરાબ દાનતનું ફળ મળ્યું અને બધાની સામે તેનુ માથુ શરમથી નીચું નમી ગયું. રાજએ  કહ્યું; “તું નાનપણમાં હતો તેવો જ નીડર રહ્યો છે. તું બહુ જ બુદ્ધિશાળી છે. હું ઘણા સમયથી મારા દરબારના લાંચિયા માણસોને શોધતો હતો. તેં જે નાનકડી યુક્તિથી આ કામ કર્યું તે કદાચ મારા કેટલાય કાયદાઓ અને કેટલાય વર્ષોનામ પ્રયત્નોથી ના થાત. આજથી તારા શાણપણને કારણે તને “બિરબલ“ નામ આપવામાં આવે છે અને આજથી તું મારા સલાહકાર તરીકે હંમેશા મારી સાથે રહેશે.”અને આ રીતે બિરબલનો જન્મ થયો….
Thanks baldevpuri blog 

No comments:

Post a Comment