Monday, March 21, 2016

GIJUBHAI BADHEKA TIDA JOSHI NI VARTA

ટીડા જોશી

એક હતો જોશી. એનું નામ ટીડા જોશી.

એને જોશ જોતાં ન આવડે પણ ખોટો ખોટો દેખાવ કરી પૈસા કમાઈ લે.

એક દિવસ ટીડા જોશી એક ગામથી બીજે ગામ જવા નીકળ્યા. રસ્તામાં બે ધોળા બળદને એક ખેતરમાં ચરતાં દીઠા. આ વાત એને યાદ રહી ગઈ.

જોશીજી તો ગામમાં ગયા અને એક પટેલને ત્યાં ઉતારો કર્યો. ત્યાં એક કણબી-કણબણ આવ્યાં ને જોશીને કહે - જોશી મહારાજ! અમારા બે ધોળા બળદ ખોવાયા છે. તે કઈ દિશામાં ગયા હશે તેનું જોશ ઝટ ઝટ જોઈ આપો ને?

જોશીએ તો હોઠ ફફડાવી એક જૂના સડી ગયેલા ટીપણામાં જોઈને કહ્યું - પટેલ! તમારા બળદ આથમણી સીમમાં ફલાણા ખેતરમાં છે, ત્યાંથી લઈ આવો. પટેલ તો બતાવેલા ખેતરે ગયો એટલે તેને બળદ મળી ગયા. તે ઘણો રાજી થયો અને તેણે ટીડા જોશીને સારી ભેટ ધરી ખુશ કર્યા.

બીજે દિવસે રાત્રે ટીડા જોશીની પરીક્ષા કરવા ઘરધણીએ પૂછ્યું - મહારાજ! તમારું જોશ સાચું હોય તો કહો, આજે ઘરમાં કેટલા રોટલા થયા છે?

બન્યું એવું કે ટીડા જોશીને કંઈ કામ ન હતું અને ઘરમાં નવરાધૂપ બેઠા હતા એટલે રોટલાના તાવડીમાં નાખતી વખતે થયેલા ટપાકા ગણતા હતા! જોશીએ તો એમ જ નવરા બેઠાં ટપાકા ઉપરથી ગણી રાખેલું હતું કે કુલ તેર રોટલા થયેલા છે. સવાલ સાંભળી તેમણે જોશ જોવાનો ડોળ કરી કહ્યું - પટેલ આજે તમારા ઘરમાં તેર રોટલા થયા હતા.

પટેલે પટલાણીને પૂછી જોયું તો જોશીની વાત સાવ સાચી નીકળી. પટેલને તો બહુ નવાઈ લાગી.

આ બે બનાવથી જોશી મહારાજની કીર્તિ આખા ગામમાં ફેલાઈ, ને સૌ જોશી મહારાજ પાસે જોશ જોવરાવવા આવવા લાગ્યા. એટલામાં ત્યાંના રાજાની રાણીનો નવલખો હાર ખોવાયો. રાજાએ જોશીની કીર્તિ સાંભળી હતી, એટલે તેણે તેને તેડાવ્યો.

રાજાએ જોશીને કહ્યું - જુઓ, ટીડા મહારાજ! રાણીનો હાર ક્યાં છે અથવા તો કોણ લઈ ગયું છે તે જોશ જોઈને કહો. હાર જડશે તો તમને ઘણા રાજી કરીશું.

જોશી મૂંઝાયા. જરા વિચારમાં પડ્યા. રાજાએ કહ્યું - આજની રાત તમે અહીં રહો, ને રાત આખી વિચાર કરીને સવારે કહેજો. પણ જોજો, જોશ ખોટું પડશે તો ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ.

ટીડા જોશી તો વાળુ કરીને પથારીમાં પડ્યા પણ ઊંઘ ન આવે. જોશીના મનમાં ભય હતો કે નક્કી સવારે રાજા ઘાણીએ ઘાલીને મારું તેલ કાઢશે. નીંદર નહોતી આવતી એટલે તે નીંદરને બોલાવવા લાગ્યા - નીંદરડી! આવ; નીંદરડી! આવ.

હવે વાત એમ હતી કે રાજાની રાણી પાસે નીંદરડી નામની દાસી રહેતી હતી ને તેણે જ હાર ચોર્યો હતો. ટીડા જોશીને નીંદરડી! આવ; નીંદરડી! આવ, એવું બોલતાં એણે સાંભળ્યા એટલે તે એકદમ ગભરાઈ ગઈ. એને લાગ્યું કે ટીડા જોશી મારું નામ પોતાના જોશના બળે જાણી ગયા લાગે છે.

નીંદરડીએ બચી જવાનો વિચાર કરી સંતાડેલો હાર બહાર કાઢ્યો અને જોશી પાસે છાનીછપની ગઈ અને બોલી - મહારાજ! લ્યો આ ખોવાયેલો હાર. હારનું ગમે તે કરજો પણ મારું નામ હવે લેશો નહિ.

ટીડા જોશી મનમાં ખુશ થયા કે આ ઠીક થયું; નીંદરને બોલાવતાં આ નીંદરડી આવી અને સામેથી હાર આપી ગઈ! ટીડા જોશીએ નીંદરડીને કહ્યું - જો, આ હાર રાણીના ઓરડામાં તેના પલંગ નીચે મૂકી આવ.

સવાર પડી એટલે રાજાએ ટીડા જોશીને બોલાવ્યા. ટીડા જોશીએ તો ઢોંગ કરી એક-બે સાચા ખોટા શ્લોક બોલ્યા અને પછી આંગળીના વેઢા ગણી હોઠ ફફડાવી, લાંબું ટીપણું ઉખેડી બોલ્યા - રાજા! રાણીનો હાર ક્યાંય ખોવાયો નથી. તપાસ કરાવો. રાણીના ઓરડામાં જ તેના પલંગની નીચે હાર પડ્યો છે, એમ મારા જોશમાં આવે છે.

તપાસ કરાવતાં હાર પલંગ તળેથી જ મળ્યો. રાજા ટીડા પર ખુશ થયો અને તેને સારું ઈનામ આપ્યું.

રાજાએ એક વાર ટીડા જોશીની વધારે પરીક્ષા કરવા એક યુક્તિ રચી. ટીડા જોશીને લઈને રાજા એક વાર જંગલમાં ગયો. જોશીની નજર બીજે હતી એટલી વારમાં રાજાએ પોતાની મૂઠીમાં એક ટીડળું પકડી લીધું, ને પછી પોતાની બંધ મૂઠી બતાવી ટીડાને કહ્યું - કહો ટીડાજી! આ મૂઠીમાં શું છે? જોજો, ખોટું પડશે તો માર્યા જશો!

ટીડા જોશી હવે પૂરા ગભરાયા. તેમણે વિચાર કર્યો કે હવે ભરમ ઉઘાડો થશે. હવે તો રાજા જરૂર મારશે. બીકમાંને બીકમાં બધી સાચી વાત રાજાને કહી દેવાને રાજાની માફી માગવા માટે બોલ્યા -
ટપટપ કરતાં તેર જ ગણ્યા
વાટે આવતા ધોરી મળ્યા;
નીંદરડીએ આપ્યો હાર
કાં રાજા ટીડાને માર?

ટીડા જોશી જ્યાં, ‘કાં રાજા ટીડાને માર?’ એમ બોલ્યા ત્યાં તો રાજાના મનમાં થયું કે જોશી મહારાજ તો ખરેખરા સાચા જોશી છે. રાજાએ તો પોતાના હાથમાંથી ટીડળું ઉડાડી કહ્યું - વાહ, જોશીજી! તમે તો મારા હાથમાં ટીડળું હતું તે પણ જાણી ગયા!

ટીડા જોશી મનમાં સમજી ગયા કે આ તો મરતાં મરતાં બચ્યા ને સાચા જોશી ઠર્યા! પછી રાજાએ જોશીને મોટું ઈનામ આપ્યું અને તેમને વિદાય કર્યા. ટીડા જોશીએ પણ તે દિવસ પછી જોશ જોવાનું બંધ કર્યું અને બીજા કામે વળગી, ખાઈ, પીને મજા કરી.thanks mavjibhai.com

No comments:

Post a Comment