Sunday, April 10, 2016

PAKHAND NU PARINAM EK PANCHTANTRA STORY

પંચતંત્રની વાર્તા - પાખંડનું પરિણામ

''હું નીલાકર છું. મને બ્રહ્માએ જંગલનો રાજા બનાવીને મોકલ્યો છે. જે મારી આજ્ઞાા માનશે નહીં તેને ઘણી ભયંકર સજા કરવામાં આવશે.''

એક શિયાળ હતું. એક દિવસ તેને જંગલમાં કશું ખાવાનું મળ્યું નહીં. ઘણી ભૂખ લાગી હતી. આખરે કશુંક ખાવાનું શોધતું તે વસ્તીમાં આવ્યું. રાત અંધારી હતી. લોકો સૂઈ ગયાં હતાં. ઠંડીનો દિવસ હતો. ઘરોનાં બારણાં બંધ હતાં. શિયાળ ગલીએ ગલીએ ભટકતું ફર્યું.
એક ધોબીનું ઘર હતું. ગધેડાં બાંધેલાં હતાં. એક ગઢામાં પકડાં ભીંજાઈ રહ્યાં હતાં અને બીજા ગઢામાં કશુંક બીજું હતું. શિયાળને ગંધ જેવું આવ્યું. વિચાર્યું, કદાચ પેટમાં નાખવા માટે કંઈક મળી જાય. ગઢું ઊચું હતું. કૂદ્યું અને ગઢામાં પડી ગયું. ઠંડીનો દિવસ, રાતનો સમય, ઠંડા પાણીમાં પડવાથી કફોડી હાલત થઈ ગઈ. કૂદ્યું અને થર-થર કંપતું સીધું જંગલ તરફ ભાગ્યું.
સવારે નાળાના પાણીથી પેટ ભરવા ગયું. પાણીમાં પ્રતિબિંબ જોઈને દંગ રહી ગયું. રાત્રે તે ગળીના ગઢામાં પડી ગયું હતું. દેદાર (સૂરત-દેખાવ) બદલાઈ ગયો હતો. ઘણું ખુશ થયું. જંગલમાં જાનવરોની સભા બોલાવી. તેણે ઘોષણા કરી કે ''હું નીલાકર છું. મને બ્રહ્માએ જંગલનો રાજા બનાવીને મોકલ્યો છે. જે મારી આજ્ઞાા માનશે નહીં તેને ઘણી ભયંકર સજા કરવામાં આવશે.''
જાનવરોએ આવા અદ્ભુત રંગનું પશુ ક્યાં જોયું હતું? તેમણે શિયાળની વાત માની લીધી. તે જંગલનો રાજા થઈ ગયું. બધાં પર રોફ જમાવવા લાગ્યું.
તે શિયાળે સિંહને પોતાનો મંત્રી બનાવ્યો, ચિત્તાને સેનાપતિ બનાવ્યો, બીજા પશુઓની તેણે સેના બનાવી.
તે બેઠું-બેઠું સૌને હુકમ આપતું હતું. સિંહ તેના માટે શિકાર મારી લાવતો હતો. રીંછ તેને બોર અને જંગલનાં બીજાં ફળ લાવીને આપતું હતું. તે પોતે કોઈ કામ કરતું ન હતું. બધાં પશુઓ તેને 'નીલાકાર મહારાજ' કહીને બોલાવતાં હતાં અને પ્રણામ કરતાં હતાં.
તે ઢોંગી શિયાળને પોતાની જાતિવાળાંઓ પ્રત્યે ચીઢ નફરત હતી.  તેને બીક લાગતી હતી કે કોઈ શિયાળ તેને ઓળખી ન લે. તે કોઈ શિયાળને મળવાનો સમય આપતું ન હતું. તેણે ચિત્તાને કહી દીધું હતું કે બધાં જ શિયાળોને જંગલમાંથી ભગાડી મૂકો. નવા રાજાના આ હુકમથી શિયાળોમાં ભારે હલચલ મચી ગઈ હતી. અત્યાર સુધી કોઈ રાજાએ તેમને જંગલમાંથી કાઢી મૂક્યાં ન હતાં. કોઈ શિયાળોને મારતો પણ ન હતો. આ નવા રાજાએ તો તેમને એકદમ જંગલમાંથી બહાર જ તગેડી મૂકવાનું કહી દીધું. શિયાળો વારંવાર પરસ્પર મળતાં હતાં અને ચર્ચા-વિચારણા કરતાં હતાં કે રાજાને કેવી રીતે મનાવી લેવામાં આવે. પોતાનું ઘર છોડીને તે બિચારાં જાય પણ ક્યાં? પરંતુ કોઈ ઉપાય દેખાતો ન હતો.
એક દિવસ એક કાણા શિયાળે પોતાની જાતિવાળાંઓને કહ્યું - ''આ નવો રાજા તો વિચિત્ર છે. આને નથી તો મજબૂત દાંત અને નથી પંજા પણ! આ બળવાન પણ દેખાતો નથી. જંગલનો રાજા સિંહ તો બીજાએ મારેલા શિકારને અડતો  સુદ્ધાં નથી અને આ તો હંમેશાં બીજાંઓ પાસે પોતાને માટે શિકાર મંગાવે છે!''
બીજાએ કહ્યું - ''મને પણ દાળમાં કાળું દેખાય છે. આ ચહેરા-મહોરામાં આપણાં લોકો જેવો જ છે, ફક્ત રંગમાં જ ફરક છે.''
કાણાએ કહ્યું - ''વારુ, આપણે બધાં તેની પાસે થોડું પાછળ ચાલીને 'હુઆઁ-હુઆઁ' તો કરીએ, હમણાં જ ભેદ ખૂલી જશે.''
નિર્ણય પાકો થઈ ગયો. નકલી શિયાળ પશુઓના દરબારમાં બેઠું હતું. પાછળની બાજુએથી શિયાળોનો ઘણો 'હુઆઁ-હુઆઁ' શોર સંભળાયો.  પેલું પોતાની દશા ભૂલી ગયું. તેણે પણ કાન ઊંચા કર્યા, મોઢું આકાશ તરફ ઉઠાવ્યું અને પૂછડું ફટકારીને 'હુઆઁ-હુઆઁ' કરતું ભૂંકવા લાગ્યું.
''અરે, આ તો શિયાળ છે!'' - પશુઓમાં ગુસ્સાભર્યો પોકાર ઊઠયો. તેઓ ધસી પડયાં અને શિયાળ ભાગી છૂટે ત્યાં સુધીમાં તો તેનું અંગેઅંગ ચૂંટી-ચૂંથી નાખરાવામાં આવ્યું.
FROM ZAGMAG GUJARAT SAMACHAR 

No comments:

Post a Comment