Tuesday, February 20, 2018

bal varta gajju chor gujarati story ગજ્જુ ચોર બાળ વાર્તા

ગજ્જુચોર – સાધ્વી તત્વદર્શનાશ્રીજી મહારાજ

                  રાજગૃહનગરીની આસપાસની પર્વતશ્રૃંખલામાં છુપાઈને રહેતો એક દુર્દાન્ત ચોર. એનું નામ ગજ્જુ. એ ગજ્જુ પાસે અવસ્વાપિની નિદ્રા હતી. એ નિદ્રાના બળે એ સ્વચ્છંદ રીતે ચોરી કરતો હતો. તેને એક ભાઈ હતો. ભાઈનું નામ ભજ્જુ. ગજ્જુ અને ભજ્જુ બંને સાથે મળીને ચોરી કરતા હતા. ચોરી કરીને એ મબલક ધન-સંપત્તિ મેળવતા અને ધનસંપત્તિ પછી સાથે વ્યસનોમાં વેડફી નાંખતા.
                       એક વખત બંને ભાઈઓ ચોરી કરવા રાજગૃહનગરીમાં જઈ રહ્યા હતા. માર્ગમાં આવેલ ગુણશીલ ચૈત્યમાં આચાર્ય વરદત્તગિરિ પ્રવચન આપી રહ્યા હતા. ગજ્જુનું મન પ્રવચન સાંભળવા ઉત્સુક બન્યું પણ ભજ્જુએ એને સ્પષ્ટ ના પાડી. ગજ્જુ પોતાના ભાઈ ભજ્જુને પ્રવચન સાંભળવા અધિક આગ્રહ કરવા લાગ્યો, તો ભજ્જુ એને પ્રવચન નહિ સાંભળવા આગ્રહ કરતો રહ્યો. બંને પોતપોતાના આગ્રહમાં દ્રઢ રહ્યા. છેવટે ગજ્જુ પ્રવચનસભામાં જઈને બેઠો અને ભજ્જુ ચોરી કરવા નગરમાં ગયો.
                પ્રવચન દરમિયાન આચાર્યશ્રીએ સત્યનો મહિમા વર્ણવ્યો. ગજ્જુ પર પ્રવચનનો પ્રભાવ એવો પ્રબળ પડ્યો કે એણે સત્યવ્રત ગ્રહણ કર્યું. સત્યવ્રત ગ્રહણ કરવું એટલે હંમેશાં સાચું જ બોલવું. સાચું બોલવાથી ગેરલાભ થતો દેખાય તોપણ કદી જૂઠનો આશ્રય ન લેવો. સત્યવ્રતનો સ્વીકાર કરીને ગજ્જુ ગુણશીલચૈત્યમાંથી નીકળી રાજમાર્ગ પર પહોંચ્યો. ત્યાં જ એને જાણવા મળ્યું કે ભજ્જુ ચોરને કોઈએ મારી નાંખ્યો છે. ગજ્જુને પોતાના ભાઈના મૃત્યુના સમાચારથી ભારે આઘાત લાગ્યો. પણ શું કરે ? કોને કહે ? તે દ્દુઃખી થતો-થતો પોતાના સ્થાને પહોંચ્યો.
                થોડા દિવસ બાદ ગજ્જુનો શોક શાંત થયો. હવે તે ફરીથી ચોરી કરવા નીકળ્યો. આ વખતે એણે ચંપાનગરીના રાજભંડારને ચોરીનું લક્ષ્ય બનાવ્યું. રાજભંડારમાં ચોરી કરી હોય તો મબલક ધન મળે, એવી એની ગણતરી હતી. મનમાં મોટી ચોરીના ખ્વાબ સજાવતો એ ચંપાનગરીના રાજમહેલના માર્ગ પર પહોંચ્યો.
                     માર્ગમાં તેને ધન્ના નામનો એક વાણિયો મળ્યો. સામાન્ય વાતચીત કરતાં ગજ્જુને ખ્યાલ આવી ગયો કે ધન્ના વાણિયા પાસે કીમતી રત્નોની પેટી છે. ધન્ના વાણિયો પણ ખૂબ શાણો હતો. એને પણ વાતવાતમાં ખ્યાલ આવી ગયો કે આ માણસ ચોર છે. એટલે સાવધ થઈને તેણે ગજ્જુથી આગળ-પાછળ નીકળી જવાના પ્રયત્નો કર્યા, પણ ગજ્જુ સામે એના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. ગજ્જુ વાણિયાની સાથે-સાથે જ ચાલે. વાણિયો જ્યાં ઊભો રહે ત્યાં ગજ્જુ પણ ઊભો રહી જાય.
                        વાણિયાએ ચાલાકી કરતાં ગજ્જુને તેનો પરિચય પૂછ્યો. ગજ્જુએ સત્યવ્રત સ્વીકારેલું હોવાથી એણે પોતાનો પરિચય આપતાં કહ્યું કે ‘હું ચોર છું અને રાજભંડારમાં ચોરી કરવા જઈ રહ્યો છું.’ આ સાંભળી ધન્નો વાણિયો ભયભીત બન્યો. ગજ્જુને પ્રસન્ન કરવા માટે તેણે ભોજન કરાવ્યું, ગજ્જુને મિત્ર બનાવી દીધો. બંનેએ મિત્રતાના સોગંદ લીધા. વાણિયાનો ભય હવે થોડો શાંત થયો. માર્ગમાં દેહશંકાનું નિવારણ કરવા વાણિયો એક સ્થળે રોકાયો. રત્નમંજૂષા ગજ્જુને સાચવવા આપીને કહ્યું, ‘મિત્ર ! આ પેટીમાં ઝેરી જીવજંતુ છે, તેથી તેને ખોલીશ નહીં.’
                           ગજ્જુ કાંઈ કમ અનુભવી ન હતો, છતાં વાણિયાની કુશંકાથી તેને દુઃખ થયું. ગજ્જુએ મંજૂષા (પેટી)ને છુપાવી દીધી. થોડી વારે વાણિયાએ પાછા આવીને પોતાની પેટી માગી ત્યારે ગજ્જુ બોલ્યો, ‘ઝેરી જીવજંતુથી ભરેલી પેટી હોવાથી મેં એ એક ગુપ્ત જગાએ છુપાવી દીધી છે.’ વાણિયો પીડા પામતો જોરથી બોલ્યો, ‘અરે ! એ પેટીમાં ઝેરી જીવજંતુ નથી, પણ મારા જીવનમાં ભેગું કરેલું ધન છે. મને એ પેટી પરત આપી દે.’
                        ગજ્જુ કહે, ‘વાણિયો થઈને તું જૂઠું બોલે છે ? તમે તો રોજ મુનિ-મહારાજોના ઉપદેશો સાંભળો છો, તોપણ જૂઠ બોલવાનું છોડતા નથી ! મેં તો માત્ર એક જ વખત એક મુનિનું પ્રવચન સાંભળીને જૂઠ બોલવાનું છોડી દીધું છે. જો તમે જીવનમાં જૂઠ નહિ બોલવાનો સંકલ્પ કરો તો જ તમારી પેટી પાછી આપું !’
                       ધન્ના વાણિયાને તો પોતાની રત્નપેટી પાછી મેળવવી હતી. આખરે એણે જૂઠનો ત્યાગ કરવાનું પ્રૉમિસ આપ્યું અને ગજ્જુએ તેને તેની પેટી પાછી લાવી દીધી.
                       આ ઘટનાને કારણે ગજ્જુ ચોરથી ધન્નો વાણિયો પ્રભાવિત થયો. એને ભરોસો બેઠો કે ગજ્જુ જે કહે છે તે સત્ય જ કહે છે. એણે વિચાર્યું કે ગજ્જુ રાજભંડાર ચોરવાનું કહે છે તો એ ચોક્કસ રાજભંડારને લૂંટશે જ.
                    ચંપાનગરીની નજીક પહોંચીને ધન્ના વાણિયાએ ગજ્જુ પાસેથી વિદાય લીધી.
                 ગજ્જુથી છૂટા પડીને ધન્નો સીધો જ રાજા પાસે પહોંચી ગયો અને રાજાને સૂચના આપી કે આજે ગજ્જુ નામનો એક ચોર તમારો ભંડાર ચોરવા આવશે. રાજા સાવધાન બની ગયો. રાજભંડાર પર મજબૂત તાળાં લગાવી દીધાં. એટલું જ નહિ, પોતે વેશ બદલીને ગજ્જુના આવવાના રસ્તા પર આંટા મારવા લાગ્યો.
                     મોડી રાત્રે એક જગ્યાએ રાજાને ગજ્જુનો મેળાપ થઈ ગયો. રાજાએ તેનું નામ પૂછ્યું, આટલી મોડી રાત્રે ફરવાનું કારણ પૂછ્યું. ગજ્જુએ કશું છુપાવ્યા વગર બધું સાચેસાચું કહી દીધું. એની સત્યવાદિતાથી રાજા પ્રસન્ન થયો. પછી ગજ્જુએ રાજાને પૂછ્યું કે ‘તમે કોણ છો ?’ તો રાજા કહે, ‘હું પણ એક ચોર છું.’ ગજ્જુ પ્રસન્ન થયો. ચાલો, એકથી બે ભલા ! બંને જણા રાજમહેલની નજીક પહોંચ્યા. ગજ્જુએ અવસ્વાપિની નિદ્રા દ્વારા પહેરો ભરતા બધા સૈનિકોને નિદ્રાધીન કરી દીધા. ગજ્જુએ ચોરરૂપી રાજાને કહ્યું, ‘આપણ બેમાંથી એક જણ અંદર જઈને ભંડાર ચોરશે અને બીજો બહાર ઊભો રહીને ચોકી કરશે. જે અંદર જશે તેને ત્રણ ભાગ મળશે અને બહાર ચોકી કરશે તેને એક ભાગ મળશે.’ રાજાએ બહાર ઊભા રહેવાનું પસંદ કર્યું.
                       ગજ્જુ રાજભંડારમાં ગયો. થોડી વારમાં ચાર રત્નમંજૂષા ચોરી લાવ્યો. બહાર આવીને નક્કી કર્યા મુજબ એક મંજૂષા રાજાને આપી અને ત્રણ પોતે રાખી. ગજ્જુએ રાજાને કહ્યું, ‘હવે મારું કામ પતી ગયું છે માટે જાઉં છું.’ રાજાએ કહ્યું, ‘સવાર પડવાને વાર નથી, ક્યાં જશો ?’ ગજ્જુ બોલ્યો, ‘નગરની બહાર શૂન્ય દેવાલયમાં રાત પસાર કરીશ અને સવારે ઊઠીને મારા ઘેર જઈશ.’
ગજ્જુને વિદાય આપી રાજા પોતાના મહેલે પહોંચ્યો.
                   રાજભંડારના રક્ષક સૈનિકો હવે જાગી ગયા હતા. ચોરી થયેલી જાણીને તેઓ રાજા પાસે પહોંચ્યા. રાજાએ સૈનિકોને ચોરનું સ્થાન બતાવીને કહ્યું કે ‘એ ચોરને સન્માન સહિત બંદી બનાવીને રાજદરબારમાં લાવો.’ સવારે ને દરબારમાં લાવવામાં આવ્યો. રાજાએ દરબારમાં ગજ્જુની ઊલટતપાસમા કેટલાક સવાલ પૂછ્યા. ગજ્જુએ રાતની સમગ્ર ઘટના અક્ષરશઃ કહી દીધી. રાજાએ કહ્યું, ‘ભંડારમાંથી ચાર રત્નપેટી ચોરાઈ છે. ત્રણ પેટી તમે આપી છે. ચોથી પેટી ક્યાં છે.’ ગજ્જુએ કહ્યું, ‘ચોથી પેટી પર મારા મિત્રનો અધિકાર હતો, માટે એને આપી દીધી છે.’ રાજાએ બનાવટી ક્રોધથી કહ્યું, ‘તારો મિત્ર અત્યારે ક્યાં છે ? એને પણ દરબારમાં લઈ આવ.’ ગજ્જુ બોલ્યો, ‘મહારાજ ! એ તો આ દરબારમાં હાજર જ છે અને તે આપ સ્વયં છો…!’
                ગજ્જુની વાત સાંભળી રાજા ગદ્ગ દ થઈ ગયો. સિંહાસન પરથી ઊઠીને, નીચે ઊતરીને રાજા ગજ્જુના ગળે વળગ્યો. પછી સૌની સમક્ષ ગજ્જુનું સત્યવાદીપણું તેમજ રાત્રિની ઘટના કહી બતાવી. ગજ્જુને રાજાએ દરબારમાં સન્માનિત પદ આપ્યું, ચોરીનું કાર્ય છોડાવી દીધું.
         વર્ષો પછી એક વખત વરદત્તગિરિ આચાર્ય ચંપાનગરીમાં પધાર્યા. ગજ્જુએ તેમને વિનંતી કરી, ‘આપે એક વખત મને જૂઠ્ઠું નહિ બોલવાની પ્રતિજ્ઞા આપી હતી. એ પ્રતિજ્ઞાને કારણે હું રાજાનો પ્રિય પાત્ર બન્યો અને એનો વિશ્વાસુ પણ થઈ શક્યો. જો એક નાનકડું વ્રત પણ આવો મહાન લાભ આપી શકતું હોય તો હવે મને આપનાં ચરણોમાં જ રાખો…’
આચાર્યે તેને દીક્ષા આપી. ગજ્જુએ આત્મસાધના દ્વારા સદ્ગહતિનો માર્ગ મેળવી લીધો.
આ વાર્તાનો સંદર્ભ : 
http://www.readgujarati.com/2016/07/15/gajju-chor/
‘કથા-નિર્ઝરી’ પુસ્તકમાંથી
[કુલ પાન ૧૧૬. કિંમત રૂ. ૧૨૫/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

No comments:

Post a Comment