Monday, February 26, 2018

ગધેડો ગધેડો બન્યો પંચતંત્ર બાળવાર્તા panch tantra ni balvarta story in gujarati

ગધેડો ગધેડો બન્યો પંચતંત્ર બાળવાર્તા 

એક ઘનઘોર વનમાં એક સિંહ રહેતો હતો. એની ઉંમર ધીરે ધીરે ઢળવા આવી હતી. પરંતુ તે હમેશાં અકડાઈથી ચાલતો.તેની શાન ઘટે એ તેને જરાય ગમતું નહિ.
તેણે એક શિયાળને પોતાની સાથે રાખ્યું હતું. એ સિંહની ભરપૂર ખુશામત કરતું. સિંહને પોતાની ખુશામત બહુ ગમતી. સિંહ પોતાના શિકારમાંથી વધ્યુંઘટ્યું શિયાળને આપતો. અને શિયાળને પણ હરામનું ખાવામાં આનંદ આવતો હતો. બોલવાથી જ ભોજન મળતું હોય પછી હાથપગ શીદને હલાવવા ! આવી વાત શિયાળની હતી.
એક વાર સિંહ શિકારે નીકળ્યો. ત્યાં એની નજર એક હાથી પર પડી.હાથી અલમસ્ત હતો. સિંહે પોતાની આદત મુજબ હાથી પર તરાપ મારી. પરંતુ સિંહ એ વાત ભૂલી ગયો કે હવે તે ઘરડો થવા આવ્યો હતો. સિંહે તરાપ મારી ત્યારે હાથી સાવધ થઈ ગયો હતો. એણે સિંહનો દાવ ચૂકવી દીધો અને સિંહને કમ્મરેથી પકડી, ઘુમાવી, ઘુમાવીને દૂર ફેંકયો. સિંહ એક પથ્થર સાથે અથડાયો. આથી તેનાં હાડકાં ખોખરાં થઈ ગયાં. હવે હાથી તેની સામે ધસી આવ્યો. સિંહ જીવ બચાવીને નાઠો. અને ગુફામાં ભરાઈ ગયો.
પરંતુ બીજે દિવસે તે ઊઠી ન શક્યો. તેનું આખું શરીર મારથી પિડાતું હતું. તેણે શિયાળને કહ્યું, 'હે શિયાળ ! આજ સુધી મેં તને બેઠાં બેઠાં ખવડાવ્યું છે. આજે હું બીમાર પડી ગયો છું. મારાથી શિકારે જઈ શકાય તેમ નથી. માટે તું કંઈક લઈ આવ. જેથી હું જલદી સાજો થાઉં અને ફરી શિકારે જઈ શકું.'
શિયાળ 'સારું' કહીને ગુફામાંથી બહાર નીકળ્યું. પરંતુ તેને શિકાર કરવા જવાનો કંટાળો આવતો હતો. હવે શું કરવું ? સિંહની વાત સાચી હતી. એને ખવડાવીએ તો જ એ ફરી શિકારે જઈ શકશે અને ફરી પોતાને બેઠાં બેઠાં ખવડાવી શકશે. એ ધીરે ધીરે ચાલવા લાગ્યો. અને વનની સરહદ પર આવ્યો. ત્યાં તેની નજર એક ગધેડા પર પડી. તે શાંતિથી ચરી રહ્યો હતો.
એ ગધેડા પાસે જઈને કહેવા લાગ્યો, 'અરે ! ગધેડાભાઈ, તમે કેમ છો ?'
'ઠીક છું. મારો માલિક બહુ જુલમી છે. મને ખાવા કંઈ આપે નહિ. આ જંગલ તરફ ધકેલી દે અને સવાર પડતાં વાર છે. કાન પકડી કામે ચઢાવી દેશે. એ... આખો દિવસ પુષ્કળ કામ કરાવે. હું તો બહુ કંટાળી ગયો છું.'
'ગધેડાભાઈ, મારું માનો તો આ વેઠમાંથી તમને છોડાવી દઉં.'
'કેવી રીતે ?' ગધેડાએ ઉત્સુકતાથી પૂછ્યું.
'તમે મારી સાથે જંગલમાં ચાલો. અમારા રાજા સિંહને મળો. એ બહુ ભલા છે. એની સેવામાં રહી જાઓ.'
'ના, ભાઈ ! અમે ઘાસ ખાનારા. અને આ બિહામણા જંગલમાં વસે છે માંસાહારી પ્રાણીઓ. તમારો રાજા પણ પૂરો માંસાહારી. એ મને જીવતો છોડે કે ?'
'અરે, અમારા રાજા બહુ ભલા છે. હું સદાય તેમની સેવામાં જ રહું છું. છતાં મને કદી મારે છે ? વળી જંગલમાં સરસ ચરવાનું ઘાસ છે. એટલે તમને ખાવાપીવાની પણ તકલીફ નહિ પડશે. તમે થોડા દિવસમાં ખાઈ-પીને અલમસ્ત બની જશો. અને તાકાતવાન તો બધાંને પહોંચે.'
ગધેડો લલચાઈ ગયો. તે શિયાળ સાથે ચાલવા લાગ્યો. શિયાળ મનમાં રાજી રાજી થઈ ગયું. રસ્તે ચાલતાં તે જંગલનાં સુખનું સુંદર વર્ણન કરવા લાગ્યું. એમ કરતાં કરતાં બન્ને જણાં સિંહની ગુફા પાસે પહોંચ્યાં.
'તમે જરા બહાર ઊભા રહો. હું રાજાને વાત કરું. તેઓ રજા આપે તો જ તેમના આ જંગલના રાજ્યમાં રહી શકાય. નહિ તો તમારે પાછા જવું પડે.'
'સારું. પરંતુ ભાઈ ! રાજાને ગમે તેમ સમજાવીને કહેજો કે, મને અહીં રહેવાની રજા આપે.
શિયાળ અદબથી અંદર ઘૂસી ગયું. સિંહ પાસે જઈ ધીરેથી પોતાનું સર્વ વૃત્તાંત જણાવી કહ્યું, 'મહારાજ ! હું એક ગધેડાને બનાવીને લઈ આવ્યો છું. તેને હું તમારી પાસે બેસાડીશ. તમે થોડી વાર સુધી રાજાની જેમ વાત કરજો. અને રહેવાની અનુમતિ આપજો. પછી એ ઊભો થઈને પાછો વળવા જાય કે તરત જ તેનો શિકાર કરી નાખજો. હું આગળથી તેને પકડવાની કોશિશ કરીશ. જો આ તક ચૂકી જશો તો બીજો શિકાર તાત્કાલિક નહિ મળે.'
સિંહ શિકારની વાત સાંભળી ખુશ ખુશ થઈ ગયો. તે શિયાળના કહેવા પ્રમાણે તૈયાર થઈ ગયો.
શિયાળ ગધેડાને અંદર લઈ આવ્યો. સિંહને જોઈ ગધેડાને બીક લાગી. પણ હવે કોઈ ઉપાય ન હતો. તે શિયાળના કહેવાથી સિંહની સામે બેઠો. અને પ્રણામ કર્યા.
પછી સિંહે તેનું વૃત્તાંત પૂછ્યું અને રહેવાની અનુમતિ આપી. સાથે સાથે અભયવચન આપતાં કહ્યું, 'હું આજે જ શિયાળ પાસે રાજ્યમાં કહેવડાવી દઉં છું કે કોઈ તારો શિકાર નહિ કરે.'
ગધેડો તો ખુશ થઈ ગયો. તેને થયું, અહીં આવીને મેં કોઈ ભૂલ નથી કરી.
ગધેડો ખુશ થતો થતો ઊઠ્યો. અને જવા માટે પાછો ફર્યો. ત્યાં જ સિંહે છલાંગ મારી અને ગધેડાને પાડી નાખ્યો. ગધેડો કંઈ વિચારે ત્યાં જ શિયાળે એના મોં પર હુમલો કર્યો. સિંહે એનું પેટ ફાડી નાખ્યું. આમ ગધેડો છેવટે ગધેડો બની ગયો.
'હે કુમારો ! લુચ્ચાઓનો કદી વિશ્વાસ ન કરવો. એ લોકો આપણને છેતર્યા વગર છોડે નહિ.'


Article Link: https://gu.wikisource.org/wiki/ Seen in the "Panchtantra Stories" app

No comments:

Post a Comment