Tuesday, March 22, 2016

GIJUBHAI BADHEKA SASABHAI SAKALIYA NI VARTA

સસોભાઈ સાંકળિયા

એક હતું શિયાળ અને એક હતો સસલો.

બંને જણાને એકવાર ભાઈબંધી થઈ. બેઉ જણા એક વાર ગામ ચાલ્યા. રસ્તામાં બે મારગ આવ્યા. એક મારગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો. શિયાળ કહે - હું ચામડાને રસ્તે ચાલું. પછી શિયાળ ચામડાને રસ્તે ચાલ્યું ને સસલો લોઢાને રસ્તે ચાલ્યો.

લોઢાને રસ્તે ચાલતા એક બાવાની મઢી આવી. સસલાને ખૂબ ભૂખ લાગી હતી તેથી તે બાવાજીની મઢીમાં ગયો. મઢીમાં આમ તેમ જોયું ત્યાં તો ભાઈને ગાંઠીયા ને પેંડા હાથ લાગ્યા. સસલાભાઈએ તો ખૂબ ખાધું ને પછી લાંબા થઈને મઢીનાં બારણાં બંધ કરીને સૂતા. એટલામાં બાવો આવ્યો ને મઢીનાં બારણાં બંધ જોઈ બાવાએ પૂછયું - એ, મારી મઢીમાં કોણ છે? અંદરથી સસલાભાઈ તો ખૂબ રોફથી બોલ્યા -
એ તો સસોભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામ; ભાગ બાવા,
નીકર તારી તુંબડી તોડી નાખું!

બાવો તો બીને નાઠો. ગામમાં જઈને એક પટેલને તેડી આવ્યો. પટેલ ઝૂંપડી પાસે જઇને બોલ્યો - બાવાજીની ઝૂંપડીમાં કોણ છે? અંદરથી રોફ કરી ફરી સસાભાઈ બોલ્યા -
એ તો સસોભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામ; ભાગ પટેલ,
નીકર તારી પટલાઈ તોડી નાખું!

પટેલ પણ બીને ભાગી ગયો. પછી પટેલ મુખીને તેડીને આવ્યો.

મુખી કહે - કોણ છે ત્યાં બાવાજીની ઝૂંપડીમાં? સૂતાં સૂતાં સસલાભાઈએ રોફબંધ કહ્યું-
એ તો સસોભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામ; ભાગ મુખી,
નીકર તારું મુખીપણું તોડી નાખું!

આ સાંભળીને મુખી પણ બીને નાસી ગયો. પછી તો બાવાજી પણ ગયા. બધાં ગયા પછી સસલાભાઈ મઢીમાંથી બહાર નીકળ્યા. શિયાળને મળ્યા ને બધી વાત કહી. શિયાળને પણ ગાંઠિયાપેંડા ખાવાનું મન થયું. તે કહે - ત્યારે હું પણ મઢીમાં જઈને ખાઈ આવીશ.

સસલો કહે - ઠીક, જાઓ ત્યારે; લ્યો, ગાંઠિયાપેંડાનો સ્વાદ! શિયાળ તો અંદર ગયું. ત્યાં તો તરત જ બાવાજી આવ્યા ને બોલ્યા - મારી મઢીમાં કોણ છે? શિયાળે હળવેકથી કહ્યું -
એ તો શિયાળભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામ; ભાગ બાવા,
નીકર તારી તુંબડી તોડી નાખું!

બાવાજી તો સાદ પારખી ગયા એટલે કહે - ઓહો, આ તો શિયાળ છે! પછી બાવાજીએ બારણાં ખેવડ્યાં અને અંદર જઈ શિયાળને બહાર કાઢી ખૂબ માર માર્યો.

શિયાળભાઈને ગાંઠિયાપેંડા ઠીક ઠીક મળ્યાં!thanks to mavjibhai.com

Related Posts:

  • Birbal ni Chaturai બીરબલની ચતુરાઈ       બાદશાહ અકબરના દરબારમાં બીરબલ ખૂબ… Read More
  • Birbal na balko no pariksha બીરબલના બાળકોની પરિક્ષા       એક દિવસ અકબર રાજાને વિચ… Read More
  • Saty ane Asaty vachche nu Antar સત્ય અસત્ય વચ્ચેનું અંતર:~        એક વાર દરબાર ભ… Read More
  • Birbal na balko બીરબલના બાળકો:~         એક દિવસ અકબર રાજાને વિચા… Read More

0 comments: