Sunday, March 20, 2016

SAMANY PATHTHAR MA AND PARAS

 અકબર અને બિરબલ  સામાન્ય પથ્થરમાં અને પારસ

એક વાર એક વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે બીરબલ પાસે જઈને બીરબલને કહ્યું, ‘મારા પુત્રએ વીસ વર્ષ સુધી શાહી ફોજમાં રાજયની સેવા કરી, પણ હવે એ આ દુનિયામાં નથી. અમે બે સ્ત્રીઓ તદ્દન નિરાધાર બની ગઇ છીએ. અમારી પાસે આવક નથી.’
તેમની વાત સાંભળી બીરબલે કહ્યું, ‘તમારા દુ:ખને હું સમજી શકું છું. બાદશાહ અકબર દયાળુ છે. એ તમારી મદદ કરશે. હું તમને કહું એમ તમે કરશો તો તમારું કામ થઈ જશે.’
બીજા દિવસે દરબાર ભરાયો. વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે દરબારમાં હાજર થઈ. તેણે કહ્યું, ‘જહાંપનાહ! મારા પુત્રની આ તલવારે અનેક યુદ્ધો જીતાડયા છે. હવે એ હયાત નથી તો આપ આ તલવારને તમારા શસ્ત્રાગારમાં જગ્યા આપો.’બાદશાહે તલવાર જોઈને કહ્યું, ‘આ કાટ ખાધેલી સાવ જૂની તલવાર અમારા કંઈ જ કામની નથી.’ વળી, બાદશાહે તેમના એક સેવકને હુકમ આપ્યો, ‘આ તલવાર એને પાછી આપી દો. સાથે પાંચ સોનામહોર પણ આપો’. બાદશાહનું એવું વર્તન જોઈને બીરબલને નવાઈ લાગી. માત્ર પાંચ સોનામહોર!
બીરબલે બાદશાહ અકબરને કહ્યું, ‘જહાંપનાહ! શું એ તલવારનું હું નિરીક્ષણ કરી શકું?’ બાદશાહ અકબરે કહ્યું, ‘હા, બીરબલ તું પણ નિરીક્ષણ કરી લે.’ બીરબલે તલવાર હાથમાં લીધી અને ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા લાગ્યો.ઘડીકમાં આમ ફેરવતો, તો ઘડીકમાં નીચેની બાજુ જોતો, તો ઘડીકમાં તલવારની મુઠ જોતો.
બાદશાહ પણ બીરબલની આ હરકત જોઇ વિચારમાં પડયા. છેવટે ન રહેવાતા પૂછ્યું, ‘શું થયું બીરબલ?’ ‘કંઈ નહીં જહાંપનાહ! જો કે મને વિશ્વાસ હતો કે તલવાર સોનાની બની જશે.’ ‘હેં, શું કહ્યું… સોનાની?’ બાદશાહને બીરબલની વાતથી નવાઇ લાગી.‘હા જહાંપનાહ! એક પારસ જે માત્ર એક પથ્થર હોય છે, તેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે. તો આપના જેવા પરોપકારી બાદશાહના હાથનો સ્પર્શ પામ્યા પછી પણ…’ બીરબલે જાણી જોઇને વાકય અધૂરું છોડયું.બાદશાહ બીરબલની વાતથી બેચેન બની ગયા. તેમણે કહ્યું, ‘જે કહેવું હોય તે સ્પષ્ટ કહે.’ બીરબલે કહ્યું, ‘સામાન્ય પથ્થરમાં અને પારસમાં આ જ ભેદ હોય છે. બંને પથ્થર એકના સ્પર્શથી સોનું બને તો બીજાનો સ્પર્શ ઇજા કરે. મદદ માટે આવેલી આ સ્ત્રીઓ ખુશ થવાને બદલે દુ:ખી થઈ ગઈ.’
અકબર બાદશાહ બીરબલના કહેવાનો ભાવાર્થ તરત સમજી ગયા. તેમને થોડી શરમ પણ ઊપજી. તેમણે એ જ વખતે હુકમ કર્યો, ‘આ સ્ત્રીને તલવારના વજન બરાબર સોનામહોરો આપવામાં આવે અને જીવે ત્યાં સુધી તેમને ખરચા-પાણી આપવામાં આવે.’ તરત જ હુકમનું પાલન કરવામાં આવ્યું.આમ બીરબલે ચતુરાઇથી વૃદ્ધ સ્ત્રી અને તેની પુત્રવધુને આજીવિકાનું સાધન કરાવી આપ્યું. બંને સ્ત્રીઓ બાદશાહ અકબર અને બીરબલને દુવાઓ આપતી ઘરે ગઇ
Thanks baldevpuri blog 

Related Posts:

  • RINSE KAN MA SU KAHYU? - GIJUBHAI BADHEKA રીંછે કાનમાં શું કહ્યું? એક હતો ગોપાલ અને એક હતો મોહન. મોહન બહુ ભોળ… Read More
  • UNDAR AND SINH ઉંદર અને સિંહ એક જંગલમાં સિંહ રહેતો હતો. ઉનાળાના દિવસો હતા. આકરો તા… Read More
  • UNDAR SAT PUSADIYO ઉંદર સાત પૂંછડિયો એક ઉંદરડીના નાના બચ્ચાંને સાત પૂંછડી હતી. ઉંદરડી … Read More
  • GAME TENE BHAI BANDH NA BANAVAY ગમે તેને ભાઈબંધ ન બનાવાય જંગલમાં એક શિયાળ અને એક હરણ રહે. શિયાળ રોજ … Read More

0 comments: