હનુમાનજીએ ભીમનો અહંકાર દુર કર્યો
આપણા પુરાણા ગ્રંથોમાં જણાવ્યા મુજબ હનુમાનજી વાયુપુત્ર હતા.ભીમ પણ વાયુપુત્ર હતો. આથી હનુમાનજી એ ભીમના મોટા ભાઈ થયા.
અમુક સમય માટે ભીમને એના પ્રચંડ બળનું અભિમાન થવા લાગ્યું. હનુમાનજીએ એમના નાના ભાઈ ભીમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. હનુમાનજી એક ઘરડા વાનરનું રૂપ લઈને ભીમ પસાર થતો હતો એ માર્ગ પર બેસી ગયા. ભીમે આ ઘરડા વાનરને એના માર્ગ વચ્ચે બેઠેલો જોયો એટલે એણે બુમો પાડીને એને હટી જવા કહ્યું.
ઘરડા વાનરે તસ્દી સુધ્ધાં ન લીધી એટલે ભીમ ગુસ્સે થઇ ગયો. એણે વાનરને ધમકી આપી કે તે હટી જાય નહીંતર એ લાત મારશે. ઘરડા વાનરે એને હટાવી જોવા ભીમને પડકાર ફેંક્યો. ભીમ વાનરને પૂંછડી પકડીને ફંગોળી દેવા એના તરફ ધસ્યો. પરંતુ...એ તેની પૂંછડી ઉંચી પણ ન કરી શક્યો! ભીમને આઘાત સાથે આશ્ચર્ય થયું પણ એણે વાનરની પૂંછડી ઉંચી કરવા એની પૂરી તાકાત લગાવી દીધી. તે તસુભાર પણ ઉંચી ન કરી શક્યો!
હવે ભીમને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સાધારણ વાનર નથી. તો પછી આ જગતમાં એના પોતાના કરતાં વધારે શક્તિશાળી કોણ હોઈ શકે? ભીમ તરત જ ઓળખી ગયો કે આ બીજું કોઈ નહીં પણ એના મોટા ભાઈ હનુમાનજી જ હોય. એણે પોતાના મોટા ભાઈનું અપમાન કર્યું હતું એટલે એને શરમ આવી ગઈ. એણે હનુમાનજીને વિનંતી કરી કે પોતાને માફ કરી દે.
હનુમાનજીએ ભીમને ક્ષમા આપી અને આવો અહંકાર દુર કરવા સલાહ આપી. એમણે ભીમને નમ્ર અને વિવેકી બનવા કહ્યું.
આ પ્રકારની વધુ વાર્તાઓ વાંચવા માટે નીચે આપેલ લીંકની મુલાકાત લો
http://gujarativaraso.blogspot.com/p/blog-page_49.html
0 comments: