Wednesday, March 30, 2016

HIMAT NI KIMAT YUSUF MIR EK SUNDAR STORY

હિંમતની કિંમત - યુસુફ મીર
          કુંવરનો જન્મદિવસ હોવાથી આજુબાજુના રાજા રજવાડા કુંવરને અભિનંદન આપવા પધાર્યા છે. આમ નાનકડું નગર આજુબાજુના રાજ રજવાડાથી માનવ મહેરામણમાં પલોટાઈ ગયું છે

ના નકડુ એવું નગર છે. નગરમાં રાજા રાજ્ય કરે છે. રાજા દયાળુ ઉદાર અને શોર્યવાન છે. નગરમાં સુખ ચેન અને શાંતિ છે. રાજાને એકમાત્ર કુંવર છે. કુંવર રૃપ રૃપનો અંબાર છે. વળી રાજકુમાર સર્વગુણસંપન્ન અને વિવેકી છે. કુંવર દરેક વિદ્યામાં પારંગત છે.

આજે આખા નગરમાં કોઈ તહેવાર જેવી ઉજવણી ચાલે છે. નગર આખુ ધજાપતાકાથી શણગારાયું છે. વળી ત્રણ દિવસ સુધી નગરના પ્રત્યેક રહેવાસીનું જમવાનું રાજદરબારમાં છે. કારણ કે મહારાજના એકમાત્ર કુંવરનો આજે જન્મદિવસ છે. આજે અગિયાર વાગે ખાસ સભા ભરાશે અને એમાં રાજકુમાર દિનગરીબોને પોતાના હાથે દાન દેશે.
અગિયાર વાગતા તો રાજસભા હકડેઠઠ ભરાઈ ગઈ. તસુભાર પણ પગ મુકવાની જગ્યા ન રહી, સમય થયો એટલે મહારાજાએ રાજકુમાર સાથે રાજદરબારમાં પગ મુક્યો. આખી સભાએ ઉભા થઈ રાજા અને કુંવરનો જયઘોષ કર્યો.

કુંવરનો જન્મદિવસ હોવાથી આજુબાજુના રાજા રજવાડા કુંવરને અભિનંદન આપવા પધાર્યા છે. આમ નાનકડું નગર આજુબાજુના રાજ રજવાડાથી માનવ મહેરામણમાં પલોટાઈ ગયું છે. કહેવત છે કે ગોળ હોય ત્યાં માખીઓ આવે જ. એટલે રાજકુમારના જન્મદિવસે તેને અભિનંદન આપવા અસંખ્ય રાજાઓ, નવાબો આવ્યા છે એટલે ઈનામ અકરામ-બક્ષીસ સારી મળશે એ ન્યાયે બારોટો-ગઢવીઓ કવિઓના ટોળાના ટોળા રાજ દરબારમાં ઉમટી પડયા છે.

નગરનો રાજા દરેકને પોતપોતાની હેસિયત પ્રમાણે બક્ષીસ ઈનામ આપે છે, કિંતુ એમાં એક બારોટ જરા આડો ફાટયો છે. તેની ટેક છે કે રાજા આપે તે નહિ પણ પોતે માંગે તે આપવા તૈયાર હોય તોજ પોતે માંગે.

બારોટની આવી વિચિત્ર જીદ જાણી દરેક રાજા-મહારાજા-નવાબો અને ખુદ યજમાન છે એવા રાજા પણ વિચારમાં પડયા - કે આ જીદ્દી બારોટ ક્યાંક પોતાની અતિપ્યારી ચીજ માંગી લે તો? આપણી ઈજ્જત અને આબરૃ બન્ને જાય!

બારોટે તો સર્વપ્રથમ જુનાગઢના નવાબને પકડયા અને કહ્યું ''બોલો નવાબ સાહેબ! હું માગું તે આપશો?'' આખી સભામાં જુનાગઢના નવાબ જમીન ખોતરવા લાગ્યા! કદાચ આ બારોટ જુનાગઢની ગાદી માગે તો? એમને નીચે મોઢે બેસેલા જોઈ બારોટે જામનગર, પોરબંદર, ભાવનગર દરેક રાજાઓના આસને જઈ ટહેલ નાંખી ''બોલો મહારાજાઓ! હું માંગુ તે આપશો? કે આ બારોટને નિરાશ કરશો?'' કિંતુ દરેક જણ નીચુ જોઈ ગયા, આથી બારોટે મણનો નિસાસો નાંખ્યો : પૃથ્વીના પટ ઉપર આટ આટલા દાનેશ્વરીઓ આ નગરમાં ભેગા થયા છે અને એક આ ગરીબ બારોટની માંગ પુરી નથી કરી શકતા?

આખી સભા અને બિરાજમાન સઘળા રાજ-રજવાડાના રાજા ઠાકોરો ભોં ખોતરવા લાગ્યા. કારણ કે દરેકને બીક હતી કે બારોટ કાંઈક અજુગતું કે અશક્ય માંગશે તો? અને આપણે નહિ આપી શકીએ તો?

આથી હારી થાકીને બારોટે યજમાન રાજા તરફ મોઢુ ફેરવ્યું અને નગરના રાજાને કહ્યું કે ''રાજન! આજે તમારા રાજકુમારનો જન્મદિવસ છે. ખુશીનો પ્રસંગ છે, બીજા રાજા મહારાજા તો પાણીમાં બેસી ગયા છે.''

હવે હું તમને પૂછું છું કે ''રાજન! કહો હું માંગીશ તે આપશો? આજે ખુશીનો પ્રસંગ છે. અને તમે દાતારના દાતાર છો, બોલો હું માંગીશ તે આપશો? કે બારોટ ખાલી હાથે પાછો જશે?!''
નગરના રાજાએ એક નજર આવેલ રાજા મહારાજા નવાબો તરફ નાંખી, એક નજર રાજકુમાર તરફ નાખી. અને એક નજર ઓઝલ પડદામાં બેઠેલી રાણીઓ તરફ નાંખી.
દરેકની નજરમાં એક જ જવાબ હતો કે ''રાજન! આપી દો રાજન! આપણે આંગણે આવેલો બારોટ નિરાશ થઈ ના જવો જોઈએ! એ જે માંગે તે આપી દો.''
રાજકુમારે પણ કહ્યું ''પિતાજી! વિચાર ના કરશો. બારોટ જે માંગે તે આપી દો.''

આથી નગરના રાજવીએ ગળુ ખોંખારી કહ્યું કે ''માંગો બારોટદેવ! માંગી લો, આપ જે માંગશો તે આપવા હું આ સભાની સાક્ષીએ આપવા બંધાઉ છું માંગી લો.''
બારોટની છાતી ગજગજ ફુલી. તેની આંખો સંતોષથી ડબડબી ગઈ, બારોટ બોલ્યો : વાહ મારા દુલા રાજા વાહ! વાહ મારા કર્ણના અવતાર વાહ, તું એક નિકળ્યો મારી ટહેલ પુરી કરનાર. હવે છાતી કઠણ રાખજે દાનવીર, માંગું છું હોં!

નગરનો રાજા કહે : ''માંગો બારોટજી, માંગો, આપ માંગશો એ અબઘડી હાજર કરીશ!''
તો બારોટે એક નજર આમંત્રિત રાજા-મહારાજા સામે કરી, એક નજર સભા તરફ કરી અને પછી ગળુ ખોંખારી કહ્યું : રાજન! મારે બીજું કશું ના જોઈએ, મારે તો આપ જે પીવો છો એ સોનેરી હુક્કામાંથી બે કસ લેવા છે!

આખ્ખી સભા સડક થઈ ગઈ! બારોટજીએ માંગી માંગીને હુક્કાની બે ઘૂંટ માંગી!
નગરનો રાજા કહે : બારોટજી! હુક્કાની ઘૂંટ શું આખે આખો આ સોનેરી હુક્કો જ આપને ભેટ આપું છું! એ સિવાય આપને અન્ય રોકડ રકમ તો ખરી જ.
બારોટ કહે : રાજન! મારે તો આપની હિંમતની કસોટી જ કરવી હતી!

એ નગર હતું માણાવદર. એ રાજા હતા. કમાલ ખાન બાબી. ત્યારથી જુનાગઢ માણાવદરમાં રૃઢીપ્રયોગ પ્રચલિત થઈ ગયો હતો કે :
''જો  ન હોત બાબી કમાલા,
તો સબ બાબી હોત નમાલા''
Thanks zagmag 

0 comments: