Sunday, March 20, 2016

LADTA GHETA AND LALCHU SIYAL

લડતાં ઘેટાં અને લાલચુ શિયાળ

ગામથી થોડે દૂર એક જંગલ હતું. એમાં એક શિયાળ રહેતું હતું.

એક દિવસ એ ખોરાકની શોઘમાં રખડતું હતું. એવાંમાં એણે બે ઘેટાં ને જોરજોરથી લડતાં જોયા. બન્ને એક બીજાની સામે ખૂબ ઝનૂને ચડ્યાં હતાં. એ હડી કાઢીને એકબીજાની સામે ઘસીને રોષપૂર્વક માથાં ભટકાવતાં હતાં, આથી બંન્નેના માથાંમાંથી લોહી નીકળતું હતું.

શિયાળ આ બે ઘેટાંને લડતાં જોઇ ખુશ થયું. તેને થયું કે આ બન્ને હમણાં મરશે એટલે તાજો મજાનો ખોરાક મળશે.

શિયાળ લડતાં ઘેટાંની છેક નજીક જઇને ઊભું રહ્યું. તે બન્ને ઘેટાં સામ સામે અથડાય ત્યારે તેમના માથામાંથી લોહી દદડે તેનો સ્વાદ લેવા લાગ્યું.

ઝાડ પર બેઠેલા કાગડાએ તેને ચેતવ્યું, પરંતુ શિયાળે કહ્યું, “ કાગડાભાઇ, અત્યારે તો તાજા લોહીનો સ્વાદ જ લઉં છું; પરંતુ થોડીવાર પછી તો આ બન્ને મરશે એટલે એમના શરીરનું તાજું માંસ પણ ખાવા મળશે.”

કાગડાએ ફરીથી ચેતવતાં કહ્યું, “ અલ્યા, એ પહેલાં તો તું જ વચમાં ચગદાઈને મરી જઈશ.”

પણ તાજા લોહીનો સ્વાદ લેવાની લાલચમાં શિયાળે કાગડાનું ન માન્યું. એ વચમાં ઊભું હતું ત્યારે પેલાં બે ઘેટાં ઝનૂનપૂર્વક ઘસી આવ્યાં અને સામસામે જોરથી ભટકાયાં. એ વખતે શિયાળ એમની વચમાં આવી ગયું અને ચગદાઇને મરી ગયું.

કાગડાએ ‘કા….કા…’ કરી પોતાના નાતભાઇઓને બોલાવ્યા. બઘાએ ભેગા મળીને શિયાળના મૃતદેહની ઉજાણી કરી.
Thanks Akshar nad 

0 comments: