રેવડી દાણાદાણ - અદિત સેવક
જમીનદાર વિચારમાં પડયો. એને થયું કે જરૃર આ માણસને સોનામહોર ભરેલા ચરુ મળ્યા લાગે છે. નહીંતર આ આવું પૂછે જ નહિ. એની પાસેથી સોનામહોરોની માહિતી કઢાવી લેવાની જમીનદારને તાલાવેલી લાગી.
એક હતું ગામ. એમાં એક જમીનદાર રહે. જમીનદાર પાસે રૃપિયા બહુ. અને આથી જ એને એ વાતનો ઘમંડ પણ બહુ. પૈસાની જોડે ઘમંડ ખેંચાઇને આવે છે. જમીનદારને પણ પોતે બહુ જ પૈસાવાળો છે એ વાતનો બહુ ઘમંડ.
જમીનદાર પોતાને બીજા લોકોથી ઊંચો માનતો. બહુ જ ઓછા લોકો જોડે એ હળવા-મળવાનો સંબંધ રાખતો. અને એ પણ ધનવાન લોકો જોડે જ. બીજા લોકોને તો જાણે એ માણસ ગણતો જ નહિ. ગામમાં ખેડૂતો ઘણા. પણ એમાંથી કોઇ જમીનદારના ઘરની નજીક આવવાની હિંમત ના કરે. જમીનદારે એના નોકરોને હુકમ આપ્યો હતો કે જો કોઈ ખેડૂત ઘરની નજીક આવવાની હિંમત કરે તો એને મારી મારી ને તગેડી મુકવો.
હવે એક દિવસની વાત છે. ગામના ખેડૂતો બધાં ચોરા ઉપર એકઠા થયાં છે. અલકમલકની વાતો ચાલે છે. એમાં જમીનદારની વાત નીકળી.
એક ખેડૂત કહે : ''જમીનદાર તો બહુ ઘમંડી. એના ઘર પાસેથી કોઇને પસાર પણ થવા દેતો નથી.''
બીજો કહે : ''હા....કાલે મારો ભાઈ એ બાજુથી પસાર થયો તો એના નોકરોએ એને મારી મારીને અધમુઓ કરી નાખ્યો.''
ત્રીજો કહે : ''એનો ઘમંડ તોડવો જોઇએ....પણ એ કામ કરે કોણ ? વાઘની બોડમાં મરવા કોણ જાય ?''
બધા ચૂપ થઈ ગયા. એકબીજાના મોઢાં જોવા લાગ્યા. ત્યાં જ એક ખૂણામાંથી અવાજ આવ્યો : ''એ કામ હું કરું તો....!''
બધાએ એ તરફ જોયું તો ત્યાં રતન ઊભો હતો. રતન એક ગરીબ ખેડૂત હતો. ગામમાં જ રહેતો હતો.
રતન બોલ્યો : ''હું ધારું તો જમીનદાર અને એના માણસો જોડે મારું ખેતર ખોદાવી શકું....''
આ સાંભળીને બધાં ખેડૂતો હસવા લાગ્યા. એક બોલ્યો : 'ભાઈ ! મજાક કરવી રહેવા દે. તું જમીનદારના ઘર સુધી પણ પહોંચી ના શકે.....ખેતર તો દૂરની વાત છે.....'
પણ રતન તો પોતાની વાત ને વળગી રહ્યો. એ બોલ્યો : 'જો હું જમીનદારની રેવડી દાણાદાણ કરું તો.....'
ખેડૂત બોલ્યો : 'જો તું જમીનદારની રેવડી દાણાદાણ કરે અને એની જોડે તારું ખેતર ખોદાવે તો અમે બધા અમારા ઉગાડેલા અનાજમાંથી ત્રણ ત્રણ કોથળા અનાજ અને એક જોડી બળદ તને આપીશું....પણ જો તું નિષ્ફળ રહ્યો તો અમે જેમ કહીએ તેમ તારે આખી જીંદગી કરવું પડશે....બોલ મંજુર છે ?'
રતન બોલ્યો : મંજુર છે...કાલે તમે બધા મારા ખેતરે આવી જજો ત્યાં તમને જમીનદાર જમીન ખોદતો જોવા મળશે.....
આમ કહી રતન વિચારતો વિચારતો પોતાના ઘર તરફ ઉપડયો.
બીજા દિવસની વાત છે. જમીનદાર પોતાની હવેલીમાં આરામ કરી રહ્યો હતો. ત્યાં જ એણે બહારથી આવતો કોલાહલ સાંભળ્યો. એના આરામમાં ખલેલ પહોંચી એટલે એ નોકરોને ધમકાવવા બહાર નીકળ્યો.
બહાર નીકળીને એણે જોયું તો એક માણસ એની હવેલીમાં ઘુસી આવ્યો છે. નોકરો એને બહાર કાઢવાની કોશિશ કરે છે પણ એ માનતો નથી માણસના દિદાર ચીંથરેહાલ છે.
જમીનદારને બહાર આવેલો જોઈ નોકરો રોકાઇ ગયા.
જમીનદારે પૂછ્યું : ''શું થયું ? આટલો બધો કોલાહલ કેમ કરો છો ? આ કોણ છે ?''
એક નોકર બોલ્યો : શેઠ ! આ માણસ તમને મળવાની જીદ્દ પકડીને બેઠો છે. કહે છે કે તમારું કામ છે.
જમીનદારે પેલા માણસ સામે કરડાકીથી જોયું અને પૂછ્યું : ''બોલો બિરાદર ! શું કામ પડયું મારું ?''
પેલો કહે : ''વાત ખૂબ ખાનગી છે શેઠ ! અહીંયા થાય એવી નથી....તમારા લાભની વાત છે.''
પેલાએ આવું કહ્યું એટલે જમીનદારનું કૂતૂહલ વધી ગયું. એને થયું કે ખરેખર આ મારા લાભની વાત લઈને આવ્યો લાગે છે.
એટલે એ પેલાને હવેલીમાં લઈ ગયો. નોકરોને બધાને બહાર જવા કહ્યું : ''પછી પેલાને પૂછ્યું : ''બોલ હવે મારા લાભની ખાનગી વાત કઈ છે ?''
પેલો બોલ્યો : ''શેઠ ! સોનામહોરો ભરેલા બે ચરુની કિંમત કેટલી થાય ?''
જમીનદારની આંખો ચમકી. એ બોલ્યો : ''તારે જાણીને શું કામ છે ?''
પેલો કહે : ''શેઠ મારે જાણવું છે...મારે કામ છે...''
જમીનદાર વિચારમાં પડયો. એને થયું કે જરૃર આ માણસને સોનામહોર ભરેલા ચરુ મળ્યા લાગે છે. નહીંતર આ આવું પૂછે જ નહિ. એની પાસેથી સોનામહોરોની માહિતી કઢાવી લેવાની જમીનદારને તાલાવેલી લાગી. જમીનદાર ઘમંડી તો હતો જ પણ સાથે સાથે લોભી પણ હતો. એ વિચારવા લાગ્યો કે આની પાસેથી સોનામહોરોની માહિતી કઢાવી લઉં અને બધી સોનામહોરો લઈ લઉં.
આવું વિચારીને જમીનદારે એને ફરીથી પૂછ્યું : ''પણ તારે કિંમત જાણીને શું કામ છે ?''
પેલા માણસે આમ તેમ જોયું અને પછી ખૂબ ધીમા અવાજે ખાનગી વાત કહેતો હોય એમ બોલ્યો : ''મને સોનામહોર ભરેલા ચરુઓ મળ્યા છે. તમે એની કિંમત મને કહી દો, એટલે હું ચરુ લઈને આવું આપણે સોદો પાકો કરી નાખીએ.''
જમીનદાર આ સાંભળીને બોલ્યો : ''હું તારી વાત નથી માનતો. તું જુઠું બોલતો હોય એવું લાગે છે.''
આ સાંભળતા જ પેલો તો ઊભો થઈને દરવાજા ભણી ચાલવા લાગ્યો. જમીનદાર એની પાછળ દોડયો અને પકડીને એને પાછો બેસાડી દીધો અને બોલ્યો : ''શાંત થા ! ધીર
! ધીરો પડ, તું જ કહે કે એવી તો કઇ જગ્યા છે આપણા ગામમાં કે જ્યાં ચરુ દાટેલા હોય...! તું મને કંઈક પ્રમાણ આપે તો હું માનું...''
''પ્રમાણ....! તમને શું પ્રમાણ જોઇએ છે...લો તમારે જાણવું જ હોય તો હું કહી દઉં કે આપણા ગામના પશ્ચિમે જે ખેતર છે ત્યાં મને ચરુ મળ્યા છે. મે હજી એ ચરુ ત્યાં જ દાટેલા રાખ્યા છે. તમારે જો સોદો કરવો હોય તો હું આજે રાત્રે એ સોનામહોરો લઈને આવું અને બજારકિંમત કરતા અડધા ભાવમાં હું તમને આપું કારણ કે તે સોનું હું બજારમાં વેચી શકતો નથી.
વેચવા જઉં તો લોકો પૂછે કે મારા જેવા ચીંથરેહાલ માણસ પાસે એ સોનું ક્યાંથી આવ્યું. એટલે હું તમારી પાસે આવ્યો. પણ તમને કોઈ રસ ના હોય તો હું બીજે જઉં.'' પેલો માણસ ગુસ્સામાં બોલ્યો.
''અરે.....!'' તું તો ગુસ્સે થઈ ગયો. ''પછી થોડી વાર વિચારીને જમીનદાર બોલ્યો : 'સારું ! તારી વાત મને મંજુર છે.'''
''સારું'' તો રાત્રે મળીએ. એમ કહીને પેલો માણસ ગયો.
એના ગયા પછી જમીનદાર વિચારવા લાગ્યો કે કેવો મુરખ બનાવ્યો પેલાને...વાતો વાતોમાં સોનામહોરો ભરેલો ચરુ ક્યાં છે એ જાણી લીધું. હવે બસ જઇને ચરુ શોધવાના જ રહે છે.
એકવાર ચરુ મળી જાય પછી તો આપણે રાજા....
એમ વિચારીને એ ઊભો થયો. નોકરચાકરો ને કોદાળી પાવડા લઈને તૈયાર થવાનો હુકમ કર્યો. નોકરો તૈયાર થયા એટલે એ તો એમને લઈને ચાલ્યો ગામના પશ્ચિમ તરફના ખેતરે.
ખેતરે પહોંચીને જમીનદારે નોકરોને ખોદવાનો હુકમ કર્યો. એ લોકો ખોદવા લાગ્યા. જમીનદાર અઘીરાઈથી આંટા મારવા લાગ્યો. એમ કરતાં કરતાં એ લોકોએ આખું ખેતર ખોદી નાખ્યું. પણ કશો ફાયદો થયો નહિ. સોનામહોરો મળી નહિ. જમીનદારનો ગુસ્સો તો સાતમા આસમાને પહોંચી ગયો. એ નોકરોને મારવા પીટવા લાગ્યો. એટલામાં જ જમીનદારની
પાછળથી અવાજ આવ્યો : ''કાં શેઠજી ! સોનામહોરો મળી કે નહિ.... કે પછી હું શોધી આપું ?''
જમીનદારે પાછળ ફરીને જોયું તો પેલો ચીંથરેહાલ માણસ હસતો હસતો ઊભો હતો. જમીનદાર ગુસ્સામાં એને મારવા આગળ વધ્યો. અને એકાએક રોકાઈ ગયો. એણે જોયું તો ખેતરની આજુબાજુની જગ્યા ખેડૂતોથી ભરાઈ ગઈ હતી. જમીનદાર સમજ્યો-એને મુરખ બનાવવામાં આવ્યો હતો અહીંયા કોઇ સોનામહોરો હતી નહિ. વધારે કંઇક કરવા જઇશ તો વધારે હાંસી થશે એમ વિચારીને એણે ચૂપચાપ નીકળી જવામાં જ શ્રેય માન્યું.
આમ જમીનદારનો ઘમંડ તૂટી ગયો...
પેલો ચીંથરેહાલ માણસ રતન જ હતો. એણે પોતાની વાત રાખી અને જમીનદારની રેવડી દાણાદાણ કરી બતાવી. જમીનદાર જોડે એણે પોતાનું આખું ખેતર ખોદાવ્યું અને આમ ખેડૂતો જોડે કરેલી શરતમાં એ જીતી ગયો. એટલે એને બધા ખેડૂતો તરફથી અનાજ અને બળદની જોડી મળી. એટલે એની ગરીબી પણ દૂર થઈ ગઈ.
એ દિવસ પછી જમીનદારે ગામમાં કોઇને પણ પરેશાન કરવાનું છોડી દીધું. અને સારો માણસ બની રહ્યો.from zagmag
0 comments: