Monday, March 28, 2016

SHRADDHA NO CHAMTKAR EK VARTA

શ્રધ્ધાનો ચમત્કાર - ભાવિક ધમલ

            એ ક નાનકડા ગામની આ વાત છે. આ નાનકડા ગામમાં બે મિત્રો રહેતા હતા બંનેનો પ્રેમ એટલો હતો જેટલો સગાં ભાઇઓમાં હોય છે. બંને એકબીજાના સુખ, દુ:ખના ભાગીદાર હતા. આ બેઉ મિત્રો એક જ શાળામાં સાથે ભણતા હતા. એકનું નામ રોશન અને બીજાનું નામ કિશન હતું.

બંને મિત્રો ભેગા મળીને શાળાએ જતા પરંતુ બંનેમાં ફરક એટલો કે કિશન ભણવામાં હોંશિયાર હતો જ્યારે રોશનને ભણવામાં બહુ રૃચિ નહોતી. કિશન હંમેશા શાળાની બધી પ્રવૃતિઓમાં ભાગ લેતો અને અવ્વલ આવતો જ્યારે રોશનને પાસ થવા માટે પણ સાંસા પડતા હતા. આ બધું જોઇ કિશન ખુબ હેરાન રહેતો અને મનમાં ઉદાસ રહેતો. તેણે મનમાં વિચારી લીધું કે તે રોશનને પણ હોંશિયાર બનાવીને રહેશે.

કિશન રોજ રાત્રે રોશનના ઘરે જઇ એને ન આવડતું હોય એ શિખવાડતો પણ રોશનના મનમાં બેસી ગયેલો પેલો ન આવડવાના ડરથી એ ગમે તેટલું વાંચે કે ગમે તેટલી મહેનત કરે એ નિષ્ફળ જ જતો. આ બધું જોઇ કિશનને એક દિવસ વિચાર આવ્યો. તેને કાગળનું એક પડીકું બનાવી રોશનને આપ્યું અને કહ્યું કે જ્યારે જ્યારે તું વાંચવા બેસે ત્યારે આ પડીકું તારી પાસે રાખજે. આમાં ભગવાનના આશીર્વાદ છે તને બધું યાદ રહી જશે.

પછી તો રોશન જ્યારે જ્યારે વાંચવા બેસતો ત્યારે પેલું પડીકું પોતાની પાસે રાખતો. એક દિવસ થયો બે દિવસ થયા. ધીરે ધીરે એને વાંચવા પ્રત્યે રૃચિ વધતી ગઇ અને તેને પેલા પડીકા પરનો વિશ્વાસ એ તેને વાંચવામાં જકડી રાખતો. આમ થોડા દિવસો ગયા અને પરીક્ષા આવી. રોશન ખૂબ મહેનત કરતો અને પરીક્ષા આપતો. અંતે બધા પેપરો પૂરા થયા.

હવે પરીક્ષાના પરીણામનો દિવસ નજીક હતો. પરીક્ષાના પરિણામના દિવસે રોશન ખૂબ ચિંતામાં હતો અને એ માતા-પિતા સાથે પરિણામ લેવા શાળાએ ગયો ત્યારે તેનો મિત્ર કિશન પણ હતો. પરીક્ષાના પરિણામની જેવી જાહેરાત થઇ, રોશન આ પરીક્ષામાં ખૂબ જ સારા ટકા સાથે પાસ થયો હતો. આ જોઇ એના માતા-પિતા, શિક્ષકો તેમજ તેનો મિત્ર કિશન ખૂબ જ ખુશ થયા અને રોશનને ખુબ અભિનંદન પાઠવ્યા. અને જે ઈચ્છા હોય એ પૂરી કરવાનું એના પિતાએ વચન આપ્યું.

પરંતુ આ બધું થયું કેવી રીતે ત્યારે રોશને એના મિત્રની પેલી પડીકાં વાળી વાત કરી અને એના માતા-પિતાએ કિશનને ત્યાં બોલાવ્યો અને કહ્યું કે 'બેટા ! આ પડીકામાં શું છે ?' ત્યારે કિશને એ પડીકું એમની સામે ખોલ્યું અને જોયું તો તેમાં ફક્ત પથ્થરો હતા, બીજું કંઇ નહીં. આ જોઇ સૌ ચકિત રહી ગયા પણ કિશન હસતો હતો. બધાએ એને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે મેં તો પડીકામાં ફક્ત પથ્થરો જ મૂક્યા હતા પણ ભગવાનના આશીર્વાદ સાથે છે એમ માનીને શ્રધ્ધાથી રોશન વાંચતો હતો અને એનું મન એમાં વળગી રહેતું તેથી આ પરીક્ષામાં તે સારા ટકાએ પાસ થયો. બધા જ કિશનની આ સુઝબુઝથી દંગ રહી ગયા અને કિશનનો આભાર માન્યો.from zagmag 

0 comments: