Thursday, April 14, 2016

KHAL NI RAKH JAPANI KATHA

ખલની રાખ
જાપાની કથા

       કોઈક જગ્યાએ એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ સ્ત્રી રહેતાં હતાં. તેમની પાસે એક હોંશિયાર કૂતરો હતો. તેનું નામ પોચી હતું.

વૃદ્ધ અને વૃદ્ધા પોચીને બહુ વહાલ કરતાં હતાં. એક દિવસે પોચી ખેતરમાં જઈને ભસવા લાગ્યો. એનો અર્થ હતો : ''અહીં આવીને આ જમીન ખોદો... અહીંયાં ખોદો!''

કૂતરો જોર જોરથી ભસ્યે જતો હતો. બુઢ્ઢો એની બોલીનો મતલબ સમજીને ઘેરથી ખેતરમાં જવા નીકળ્યો. તેણે ખોદવાનું શરૃ કર્યું. જમીનમાંથી પુષ્કળ ધન મળ્યું. એ જોઈને ડોસો અને ડોસી ખુશ થઈ ગયાં.

એક લાલચુ માણસ તેમના પડોશમાં રહેતો હતો. દૂરથી તે આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેણે વિચાર કર્યો : ''આ વૃદ્ધનો કૂતરો લઈને જમીન ખોદવાથી મને પણ ધન મળી જશે.''
આવું વિચારીને તે લાલચુ માણસ વૃદ્ધની પાસે ગયો અને કહ્યું : ''આપની પાસે જે હોંશિયાર કૂતરો છે તે એક દિવસ માટે મને આપશો?''
વૃદ્ધે કહ્યું : ''ભલે, લઈ જાઓ!''

લાલચુ માણસ પોચીને ખેતરમાં લઈ ગયો. પછી કૂતરાને ભસવાનો સંકેત કર્યો. કૂતરો ભસવા લાગ્યો. લાલચુ માણસ ખુશ થઈને જમીન ખોદવા લાગ્યો. જમીનમાંથી ધનને બદલે પથ્થરો અને નળિયાં નીકળવા લાગ્યાં. એ જોઈને લાલચુ માણસે ગુસ્સે થઈને કૂતરાને મારી નાંખ્યો.

ડોસો-ડોસી પોતાના કૂતરાની લાશ ઉપાડીને ઘેર લઈ ગયાં. ઘરની પાછળ ખાડો ખોદીને, તેમણે ત્યાં કૂતરાની સમાધિ બનાવી. અને તેની પાસે ચીડનું એક વૃક્ષ વાવ્યું.
એક દિવસે તે વૃદ્ધે એ વૃક્ષ કાપીને તેનો ખલ બનાવ્યો. તેમાં રાંધેલા ભાત નાંખીને ડોસો-ડોસી મીઠાઈ બનાવવા લાગ્યાં. ત્યાં તો એક અદ્ભુત ઘટના બની! ખલમાંથી ભાતને બદલે પુષ્કળ ધન નીકળ્યું.

લાલચુ માણસે આ વાત સાંભળી, એટલે તે દોડતો વૃદ્ધની પાસે આવ્યો અને કહ્યું : ''મને તમારો ખલ આપશો?''

વૃદ્ધે તેને ખલ આપ્યો. તે લઈને એ ઘેર ગયો અને તેમાં ભાત નાંખીને મીઠાઈ બનાવવા લાગ્યો. તેણે ખૂબ મહેનત કરીને ભાત કૂટયા. પરંતુ તેમાંથી પથ્થર નીકળવા લાગ્યા. નારાજ થઈને લાલચુ માણસે ખલને તોડી નાંખ્યો અને સળગાવી દીધો.

વૃદ્ધ એને ઘેર ગયો અને ખલની રાખ ભેગી કરીને પોતાને ઘેર લઈ આવવા નીકળ્યો. રસ્તામાં જોરથી પવન ફૂંકાયો, તેથી થોડીક રાખ ઊડીને એક સૂકા વૃક્ષ પર પડી.

જોતજોતામાં વૃક્ષ પર સુંદર ફૂલ ખીલવા લાગ્યાં. વૃદ્ધ ખુશ થઈ ગયો. તેણે અનેક વૃક્ષો પર એ રાખનો છંટકાવ કર્યો. આખા ગામનાં વૃક્ષો પર ભાત ભાતનાં રંગબેરંગી ફૂલો ખીલી ઊઠયાં.
રાજાએ આ અદ્ભુત દ્રશ્ય જોયું. તેને અત્યંત પ્રસન્નતા થઈ. તેણે વૃદ્ધને બોલાવીને કહ્યું : ''તમારે લીધે આપણા રાજ્યમાં જલદી વસંત આવી ગઈ છે. તમે સારું કામ કર્યું છે. હું તમને ઈનામ આપીશ.''

વૃદ્ધ અને એની પત્ની પુરસ્કાર લઈને ઘેર ગયાં.

પેલો લાલચુ માણસ પણ એમને ઘેર આવ્યો, અને તેમના ચૂલામાંથી રાખ લઈ ગયો. એ રાખ તેણે પોતાનાં સૂકાં વૃક્ષો પર નાંખી, પરંતુ એ વૃક્ષો પર એક ફૂલ પણ ખીલ્યું નહિ.

એ વખતે એક દુર્ઘટના પણ બની. રાખ ઊડતી ઊડતી રાજાની આંખોમાં પડી, અને ત્યાંથી આગળ રાજાની સેનાની આંખોમાં પણ પડી. રાજાએ લાલચુ માણસને બોલાવ્યો, ધમકાવ્યો અને પછી આવું ન કરવા માટે સમજાવ્યો. તે સમજી ગયો અને પોતાના કૃત્ય પર પસ્તાવો કરવા લાગ્યો. એ પછી તે દયાવાન બની ગયો.
યુકીકો ઔકા

- અનુ. સાં. જે. પટેલ
Source gujarat samachar 

0 comments: