સિંહણ માતા બાળવાર્તા
મમ્મી, ઓ મમ્મી ! જો, મારી સાથે કોણ આવ્યું છે ?’ ભૂમિકાએ બેલ વગાડીને બૂમ પાડી.
મમ્મીએ બારણું ઉઘાડી, બહાર આવીને જોયું. ભૂમિકાની સાથે એના જેવડી બે છોકરીઓ હતી. એમને જોઈને તે બોલી : ‘આવો, આવો. ભૂમિ, કોણ છે આ બે છોકરીઓ ? તારી…’
‘હા-હા, મમ્મી ! મારી બહેનપણીઓ છે. આ છે કવિતા અને આ છે વારતા. મારી સાથે ભણે છે.’ ભૂમિકાએ ઓળખ આપીને ઉમેર્યું : ‘મમ્મી, એ વાર્તા સાંભળવા આવી છે, તું કહીશ ને મમ્મી ?’
‘હોવે-હોવે કહીશ. પહેલાં તમે અંદર આવી જાઓ, હાથ-મોં ધોઈ લો અને નાસ્તો કરી લો. પછી હું તમને સરસ મજાની એક વાર્તા કહું છું.’ એટલું કહીને મમ્મીએ ત્રણેને તલ-શિંગની ચીકી આપી.
ભૂમિકાએ ચીકી ખાતાં-ખાતાં કહ્યું : ‘વારતા, મારી મમ્મીને ગાતાં પણ આવડે છે, અને કવિતા, એં… મને મારી મમ્મી રોજ વાર્તા કહે છે.’
એટલામાં ભૂમિકાની મમ્મી તૈયાર થઈને આવી ગઈ. સોફાની સામે ખુરશીમાં બેસીને તેણે કહ્યું : ‘ચાલો, કવિતા, વારતા, ભૂમિકા ! વાર્તા શરૂ થાય છે, સા-વ-ધા-ન ! અટેન્શન !!!’
ત્રણે સહેલીઓ સાવધાન થાય એ પહેલાં તો ત્રાડ જેવો મોટો અવાજ સંભળાયો : ‘ઘુર્રર્ર… ઘુર્રર્ર…!’
ત્રણેએ એકબીજામાં લપાઈ જઈને આજુબાજુ નજર ફેરવી. આવો ભારે અવાજ તેમણે પહેલી વાર સાંભળ્યો હતો, એટલે બી ગઈ હતી.
‘કોઈ નથી, કોઈ નથી, મારી બહાદુર બેટીઓ…!’ કહીને ભૂમિકાની મમ્મી ખુરશી સોફાની નજીક લાવી. ત્રણેયને માથે હાથ ફેરવ્યો ને પછી હસીને કહ્યું : ‘આ તો આપણી વાર્તાની શરૂઆત છે. હું થોડીક વાર માટે સિંહણ બની ગઈ હતી. ગભરાવાની જરૂર નથી. હું તો તમારી મમ્મી છું. વાર્તાની સિંહણ ખરી પણ તમારી તો મમ્મી !’
‘હેં…! વાર્તાની સિંહણ ?’ કહીને ત્રણેય બાળકો સોફામાં સરખાં બેઠાં.
‘હા, વાર્તામાં આવતી મા સિંહણ. હવે વાર્તામાં ગર્જના, ત્રાડ, પડકાર તથા ઘૂઘવાટ આવે તો ગભરાતાં નહિ. ચાલો, સાવધાન… અટેન્શન ! હવે વાર્તા શરૂ થાય છે.’ કહીને ભૂમિકાની મમ્મીએ વાર્તા શરૂ કરી :
‘‘આબુ જેવો એક પર્વત હતો. એની આજુબાજુ ગીચ જંગલ હતું. એમાં વાઘ, વરુ, રીંછ, સિંહ જેવાં બિહામણાં પ્રાણીઓ રહેતાં હતાં અને કા-કા, કુહૂ…કુહૂ, ટેહુક…ટેહુક જેવાં રળિયામણાં પંખીઓ પણ રહેતાં હતાં. એ જંગલમાં બે નાનાં બચ્ચાં સાથે સિંહ-સિંહણની એક જોડી રહેતી હતી. સિંહ તો ભૈ ભારે બળિયો. ભલભલાંનાં કાળજાં કંપાવે એવો. ડાચાજોર. ‘ચૌદ વરસની ચારણ કન્યા’માં સાવજની વાત આવે છે એવો…’’
તરત જ કવિતા બોલી : ‘હા, આન્ટી ! મેં એ કવિતા વાંચી છે !’
‘અને આન્ટી ! મને તો એ આખું કાવ્ય મોઢે આવડે છે.’ વારતાએ પણ કહ્યું.
‘તો આપણી આ વાર્તાનો સિંહ પણ તે સાવજ જેવો હતો. તગતગતી આંખો, ભરાવદાર કેશવાળી, મલપતી ચાલ અને ગર્જના તો જાણે કે વાદળાં ગડગડી રહ્યાં હોય એવી – ગુરરર…ગુરરર…!’ ભૂમિકાની મમ્મીએ વાદળાંના ગડગડાટ જેવો મોટો અવાજ કાઢ્યો.
બાળકો થોડાં ઝબક્યાં ખરાં પરંતુ આ વખતે ગભરાયાં નહિ. ઉપરથી ભૂમિકાએ તો પૂછ્યું : ‘ અને સિંહણ કેવી હતી, મમ્મી ?’
‘સિંહણ ? સિંહણ તો તારી મમ્મી જેવી, એકદમ શાંત, મમતાભરી…’
‘જા-જા, મમ્મી ! તું તો વાઘણ છે વાઘણ, મોટી !’ ભૂમિકા હસતાં હસતાં બોલે છે.
‘હા, તો પેલી સિંહણ એક દિવસ વૃક્ષ નીચે આરામ કરતી હતી. બાજુમાં કોતર હતું. એ કોતરને કિનારે સિંહણનાં બે બચ્ચાં રમતાં હતાં, અને ખેલ-મસ્તી કરતાં હતાં. અને હાય ! મોટો ગજબ થઈ ગયો ! ગજબ !! એક બચ્ચું કોતરમાં ગબડી પડ્યું હતું અને મદદ માટે ફાંફાં મારી રહ્યું હતું. તરત જ સિંહણ ઊભી થઈ ગઈ અને કોતરને કિનારે જઈને, નીચે જવાનો રસ્તો શોધવા લાગી. પરંતુ અંદર ઉતરાય એવો એકેય સરળ રસ્તો નહોતો. તે આકુળ-વ્યાકુળ થઈ રહી હતી. છેવટે તેણે એક ભયંકર ગર્જના કરી – ઘુર્રર્રર્ર… ઘુર્રર્રર્ર… ઘુર્રર્રર્ર… અને પછી તે એટલામાં બેબાકળી થઈને આંટા મારવા લાગી…’
વચ્ચે કવિતાએ સવાલ કર્યો : ‘તો આન્ટી, એ વખતે બચ્ચાંનો બાપ, પેલો બળિયો સિંહ ત્યાં હાજર નહોતો ?’
‘ના, કવિતા. એ લહેરી લાલો લટાર મારવા ગયો હતો, સાથીદારોને લઈને, આજુબાજુમાં, ઠંડી, ઝાંખી અંધારી, ગીચ ઝાડીમાં. હા, તો બહાદુર મારી બાળાઓ, પેલા બળુકા સાવજે સિંહણની ત્રાડ સાંભળી અને તે લાંબી-લાંબી છલાંગો ભરતો, રોફભેર દોડ્યો – આવું છું… આવું છું… આવું છું… કરતો’
ત્રણે સખીઓએ ઝીણી-ઝીણી તાળીઓ પાડી.
‘‘સિંહણમાતા કરાલ કોતર પર ઊભી-ઊભી બચ્ચાને જોઈ રહી હતી. ત્યાં પેલો કરાલ સિંહ એની બાજુમાં આવીને ઊભો રહ્યો. એની પાછળ-પાછળ બીજી બે સિંહણો પણ આવી હતી. સિંહણમાતાએ કહ્યું, ‘કાઢો, તમારા બાળુડાને બહાર.’ સિંહ એક કારમી ડણક મારીને કોતરમાં ઊતરવાની કોશિશ કરવા લાગ્યો. પહાડી પથ્થરોનું કોતર બહુ ઢાળવાળું નહોતું. એમાં ઊતરવાનું મુશ્કેલીભર્યું હતું. સિંહ એક પગ ઉપાડે ત્યાં બીજો પગ લપસવા માંડે, એટલે ઊભો રહે ને બીજો રસ્તો શોધે. બીજો રસ્તો પણ એવો લપસણિયો. સિંહ કોશિશ કરી કરીને થાક્યો, એટલે છાંયામાં આવીને બેઠો ને મોં પહોળું કરીને, જીભ બહાર કાઢીને હાંફવા લાગ્યો…’’
‘તો આન્ટી, પેલી બે સિંહણો એ વખતે શું કરતી હતી ?’ વારતા અને કવિતાએ એકીસાથે વચમાં એકાએક પૂછી લીધું.
‘હા, એ સિંહણો પણ કાયર નીકળી. એમણે થોડો પ્રયત્ન કરી જોયો, પણ ફાવી નહિ, એટલે પેલા ભડવીર કહેવાતા સિંહની બાજુમાં જઈને બેસી ગઈ, અને હાંફતાં – હાંફતાં લાળ ટપકાવવા લાગી…’
ભૂમિકાના મનમાં વિચારમંથન ચાલતું હતું : કોતરમાં પડી ગયેલા બચ્ચાનું શું થયું હશે ? તેને સિંહણમાતા ન કાઢી શકી… મલપતો સાવજ બાપ ન બચાવી શક્યો અને પેલી બે સિંહણો પણ ડરીને પાછી વળી ગઈ, તો પછી બચ્ચું ત્યાં ને ત્યાં… તે આગળ વિચારી શકી નહિ. લાગલું જ તેનાથી પુછાઈ ગયું : ‘તે હેં મમ્મી ! તો પછી એ બચ્ચાનું શું થયું ? તેને કોઈએ બચાવ્યું નહિ ?’
‘બચાવ્યું ને !’
‘કોણે ?’
‘તેની સિંહણમાતાએ !’
‘કેવી રીતે ?’
ત્રણેય સહેલીઓની ઇંતેજારી વધી રહી હતી. ડોક લંબાવીને, એકાગ્ર થઈને, ધ્યાન દઈને તેઓ સાંભળી રહી હતી.
‘હા, તો સાંભળો. બચ્ચાનો બાપ સાવજ હારી ગયો, પેલી બે સિંહણોય હારી ગઈ, પણ બચ્ચાની મા સિંહણ હારી નહોતી. તેણે નિશ્ચય કરી લીધો, મારે મારા બચ્ચાને બચાવવું જ છે. પછી નવેસરથી તેણે પ્રયાસ શરૂ કર્યો. કોતરની વધારે ઢાળવાળી જગ્યા તેણે પસંદ કરી. પહેલાં આગળના પગ પથ્થરની ખાંચમાં ગોઠવ્યા. પછી પાછલા પગના નહોર પાછળની ખાંચમાં ભરાવ્યા અને પછી આગળનો એક પગ ઉપાડીને આગળની ખાંચમાં ગોઠવ્યો. આ રીતે તે પગ ગોઠવતી ગઈ અને નીચે ઊતરતી ગઈ, ઊતરતી ગઈ. આમ ધીરજ, હિંમત અને ચતુરાઈથી તે છેક નીચે પહોંચી ગઈ, બચ્ચાની લગોલગ. અને…’
‘ અને શું થયું મમ્મી ?’
‘હા, શું થયું આન્ટી ? ઝટ કહો, કહો !!’
‘કાંઈ નહિ, કાંઈ નહિ, મારી બચ્ચીઓ ! એ તો મા છે ને સિંહણ, એટલે બચ્ચાની પાસે જઈને, તેણે બચ્ચાને લાડ કર્યાં અને એના શરીર પર જીભ ફેરવી. એમ જોઈ લીધું કે બચ્ચાને કાંઈ થયું તો નથી ને ! બચ્ચું સાંજુસમું હતું એટલે માતાને નિરાંત થઈ…’
‘હાશ મમ્મી ! અમે તો ગભરાઈ ગયાં હતાં કે બચ્ચાને કાંઈ…!’
‘‘હા, આન્ટી ! તમે ‘અને…’ થી વાક્ય અધૂરું રાખ્યું એટલે અમને ધ્રાસકો પડ્યો હતો, પણ હવે શાંતિ થઈ છે. પછી શું થયું આન્ટી ?’’
‘પછી તો સિંહણે બચ્ચાને ગરદનમાંથી પકડ્યું, દાંત વાગે નહિ એ રીતે, અને જેવી રીતે નીચે એ ગઈ હતી, એ રીતે તે ઉપર આવી ગઈ. પછી બચ્ચાને છૂટું મૂકી દીધું. અને પેલા બીજા બચ્ચા પાસે જઈને, એની સાથે ગેલ-ખેલ કરવા લાગ્યું. સિંહણમાતા દૂર ઊભી-ઊભી બચ્ચાંની રમત જોઈ રહી હતી અને આંખો પટપટાવીને આંસુ લૂછી રહી હતી. આખરે તો એય એક મા હતી ને, સિંહણમાતા; તમારી માતાઓના જેવી જ. પછી એની આંખમાં આંસુ તો આવે જ ને ! મા એ મા, બીજા બધા વગડના વા !’
(સાભાર : કલરવ, સાધના સાપ્તાહિક, લેખક – સાંકળચંદ પટેલ)
Source : http://blog.gujaratilexicon.com/2015/07/20/balvarta-sihan-mata-children-story-lioness-mother/
0 comments: