Tuesday, January 15, 2019

બીરબલ બુદ્ધિનો બાદશાહ બાળવાર્તા

બીરબલ બુદ્ધિનો બાદશાહ બાળવાર્તા
આગ્રા પાસેના એક ગામમાં એક સાધારણ પરિવારમાં બીરબલનો જન્મ થયો હતો. એની પંદર વર્ષની ઉંમરે એનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં. એ વખતે એની પાસે પચાસ રૂપિયા હતા. એણે વિચાર્યું કે, ગામડાગામમાં રહીને શો ધંધો કરીને જીવન ગુજારીશ? ખૂબ વિચાર કર્યા પછી એણે આગ્રાના કિલ્લાની બાજુમાં પાનની દુકાન કરી. એની પાનની જમાવટ અને મળતાવડા સ્વભાવને કારણે થોડા સમયમાં એની દુકાન જામી ગઈ.
એ સમયે આગ્રાના કિલ્લામાં અકબર બાદશાહ રહેતો હતો.
એક દિવસ બપોરને સમયે બીરબલની દુકાને રસૂલ નામનો શાહી નોકર આવીને બોલ્યો : ‘લાલા! તૈયાર કરેલો પાશેર (100 ગ્રામ) ચૂનો આપો.’
એકી સાથે આટલો ચૂનો લેવા આવનાર ગ્રાહક સામે જોઈ બીરબલે પૂછ્યું : ‘આ ચૂનો કોણ મંગાવ્યો છે?’
રસૂલ બોલ્યો : ‘બાદશાહ સલામતે મંગાવ્યો છે.’
બીરબલે પૂછ્યું : ‘બાદશાહને ઓચિંતી ચૂનાની શી જરૂર પડી? કોઈ કારણ તો હશેને?’
રસૂલે કહ્યું : ‘લાલા! પડાપૂછ કર્યા વગર મને ચૂનો આપોને? મારે મોડું થાય છે. બાદશાહના જમ્યા પછી મેં એમને પાન ધર્યું. એ ખાતાં જ એમનું મોં બગડી ગયું અને આસન પર બેસી ગયા. તરત જ એમણે હુકમ કર્યો : પાશેર ચૂનો લઈ આવ.
બીરબલે પૂછ્યું : ‘તમે બાદશાહની શી સેવા બજાવો છો?’
રસૂલે કહ્યું : ‘બાદશાહને બે વખત પાન બનાવી આપવાની નોકરી કરું છું.’
‘કેટલાં વરસથી નોકરી કરો છો?’
‘પંદર વરસથી.’
‘આમ છતાં તમને પાન બનાવતાં આવડતું નથી. ચૂના સાથે કફન પણ લેતા જજો.’
‘લાલા! આમ કેમ બોલો છો? તમારી વાતમાં મને કંઈ ન સમજાયું.’
‘હવે સમજાશે. આ પાશેર ચૂનો તમને ખવડાવવામાં આવશે.
‘પરંતુ મારી કસૂર?’
‘તમે પાનમાં ચૂનો વધારે નાખી દીધો હતો, જેથી બાદશાહના મોંમાં જબરી બળતરા ઊપડી હતી. ચૂનાની બળતરાનો જાતઅનુભવ કરાવવા તમને ચૂનો લેવા મોકલ્યા હતા. આ પાશેર ચૂનો તમને ખવડાવવામાં આવશે. જેથી મેં તમને કહ્યું કે, ચૂના સાથે કફન પણ લઈ જજો.’
રસૂલ ગભરાઈને બોલ્યો : ‘તો તો હું મરી જઈશ. લાલા! ભાઈસા’બ! તમે તો જબરા જાણકાર લાગો છો. આમાંથી બચવાનો કોઈ ઉપાય બતાવો, જેથી મારો જાન બચી જાય.’
બીરબલે કહ્યું : ‘મિયાં! હવે તમારે બચવાનો એક જ ઉપાય છે. આ ચૂનાની સાથે મોદીની દુકાનેથી એક શેર (500 ગ્રામ) ઘી પણ લેતા જજો. બાદશાહની પાસે જતાં પહેલાં તમે શેર ઘી પી જજો. બાદશાહ ચૂનો ખાવાનું કહે ત્યારે બેધડક ચૂનો ખાઈ જજો. જેમ ઝેરનું મારણ ઝેર છે, એમ ચૂનાનું મારણ ઘી છે. ઘીને લીધે તમારી જીભ કે કાળજાને કોઈ અસર થશે નહિ અને તમે બચી જશો.’
બીરબલનો આભાર માનતો રસૂલ ત્યાંથી રવાના થયો.
બાદશાહ પાસે જઈ રસૂલે ચૂનાનું પાત્ર મૂક્યું અને અદબ વાળીને ઊભો રહ્યો.
બાદશાહે હુકમ કર્યો : ‘આ ચૂનો મારી સામે બેસીને ખાઈ જા.’
બીરબલની સલાહ અનુસાર રસૂલ ચૂનો ખાઈ ગયો. સાંજે રસૂલ બાદશાહને પાન આપવા હાજર થયો ત્યારે બાદશાહે આશ્ર્ચર્યથી પૂછ્યું : ‘રસુલિયા! તું હજી જીવે છે?’
‘હા, નામદાર! આપ્ની મહેરબાનીથી બચી ગયો.’
બાદશાહે એના બચવાનું કારણ પૂછ્યું. રસૂલે બીરબલ સાથે થયેલી વાતચીત બાદશાહને કહી સંભળાવી. બાદશાહને પણ થયું કે, આ માણસ જબરો બુદ્ધિશાળી લાગે છે!
બાદશાહે રસૂલને કહ્યું : ‘કાલે દરબારમાં એ પાનવાળાને લેતો આવજે.’
બીજે દિવસે બીરબલને લઈને રસૂલ દરબારમાં હાજર થયો. બાદશાહને સલામ કરી અદબ વાળી ઊભો રહ્યો.
બાદશાહે પૂછ્યું : ‘તમારું નામ શું? આ નોકરને ઘી પીવાની તમે સલાહ આપી હતી?’
બીરબલ બોલ્યો : ‘મારું નામ બીરબલ છે. એની વાત ઉપરથી હું સમજી ગયો હતો કે, એણે આપ્ના પાનમાં ચૂનો વધારે નાખી દીધો છે.’
બાદશાહે કહ્યું : ‘તમે જબરા અક્કલમંદ લાગો છો!’
બીરબલ બોલ્યો : ‘સરસ્વતીદેવીની કૃપા છે.’
‘મારે તમને થોડા સવાલ પૂછવા છે. જો બધાય સવાલોના જવાબ સાચા હશે તો તમને ઇનામ આપવામાં આવશે.’
‘ફરમાવો નામદાર! મારી બુદ્ધિ પ્રમાણે આપ્ના સવાલોના જવાબ આપીશ.’
બાદશાહે પૂછ્યું. : ‘બારમાંથી ચાર જાય તો શું રહે?’
બીરબલે કહ્યું : ‘હજૂર! કંઈ બાકી ન રહે.’
‘એમ કેમ? એનું શું કારણ?’
બીરબલ બોલ્યો : ‘બાર મહિનામાંથી ચોમાસાના ચાર મહિના કાઢી નાખવામાં આવે તો વરસાદ વગર પ્રાણી માત્ર જીવી ન શકે.’
બાદશાહે જવાબ સાંભળી ખુશ થઈને બીજો સવાલ પૂછ્યો : ‘એક ને એક કેટલા થાય?’
બીરબલે કહ્યું : ‘એક ને એક અગિયાર થાય.’
બાદશાહે પૂછ્યું : ‘એ કેવી રીતે?’
બીરબલે કહ્યું : ‘જો તમારા જેવા બાદશાહ હોય અને સાથે મારા જેવો માણસ હોય તો બંનેની બુદ્ધિ-શક્તિ બેને બદલે અગિયાર જેટલી થઈ જાય.’
બાદશાહે ખુશ થઈને કહ્યું : ‘શાબાશ! મારા દરબારમાં રત્ન-સમાન આઠ વિદ્વાન મંત્રીઓ છે. આજે હું તમને નવમા મંત્રી બનાવું છું, જેથી મારા દરબારમાં નવરત્ન સમાન વિદ્વાનોની ગણત્રી થાય.’
બીરબલ બોલ્યો : ‘નામદાર! આપે મારી કદર કરી એ બદલ આપ્નો આભારી છું.’
આમ બીરબલને પોતાની હાજરજવાબી અને બુદ્ધિચાતુર્યથી મંત્રીપદ મળ્યું.
અકબર બાદશાહ અને બીરબલ છત્રીસ વર્ષો સુધી સાથે રહ્યા. બીરબલ જેવો બુદ્ધિશાળી હતો, એવો જબરો લડવૈયો પણ હતો. અફઘાનો સાથે કાબુલની લડાઈમાં એનું મૃત્યુ થયું. ત્યારે બાદશાહ ખૂબ રડ્યો હતો.
નાનપણથી સરસ્વતી દેવીની આરાધના કરી બીરબલે પોતાની બુદ્ધિ-પ્રતિભાને લીધે લોકવાર્તાઓમાં અને ઇતિહાસમાં પોતાનું નામ અમર કર્યું છે.
(લેખકઃ વસંતલાલ પરમાર)
Source : http://blog.gujaratilexicon.com/2014/08/26/birbal-the-king-of-wisdom/

0 comments: