Sunday, March 20, 2016

KABAR AND KAGDO GIJUBHAI BADHEKA

કાબર અને કાગડો

એક હતી કાબર અને એક હતો કાગડો.

બન્ને વચ્ચે દોસ્તી થઈ.

કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી.

કાબરે કાગડાને કહ્યું - કાગડાભાઈ, કાગડાભાઈ! ચાલોને આપણે ખેતર ખેડીએ! દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ.

કાગડો કહે - બહુ સારું; ચાલો.

પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યાં.

થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો. જતાં જતાં કાબરને કહેતો ગયો - કાબરબાઈ! તમે ખેતર ખેડતાં થાઓ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું.

કાબર કહે - ઠીક.

પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈનો પત્તો ન લાગે. એ તો પાછા આવ્યાં જ નહિ.

કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પાં મારવા લાગ્યા.

કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ, કાગડાભાઈ! ચાલો ને! ખેતર તો ખેડાઈ ગયું. હવે આપણે વાવીએ.

કાગડો કહે -
ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ! આવું છું.

કાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું.

કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસમાં એ એવો તો સુંદર ઊગી નીકળ્યો કે બસ!

એટલામાં નીંદવાનો વખત થયો વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ, કાગડાભાઈ! ચાલો, ચાલો; બાજરો બહુ સારો ઊગ્યો છે. હવે જલદી નીંદવું જોઈએ, નહિતર મોલને નુકસાન થશે.

આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું :
ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ! આવું છું.

કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું.

વખત જતાં કાપણીનો સમય આવ્યો એટલે કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ! હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે. મોડું કાપશું તો નુકસાન થશે.

લુચ્ચા કાગડાએ કહ્યું -
ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ! આવું છું.

કાબરબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ. અને ખિજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી.

પછી તો કાબરે બાજરીનાં ડુંડાંમાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો, અને બીજી કોર એક મોટો ઢૂંસાંનો ઢગલો કર્યો. અને એ ઢૂંસાંના ઢગ પર થોડોક બાજરાનો પાતળો થર પાથરી દીધો જેથી ઢૂંસાંનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય.

પછી તે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે - કાગડાભાઈ! હવે તો ચાલશો ને? બાજરાના બે ઢગલા તૈયાર કર્યા છે. તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ તો ફુલાઈ ગયા.

તેણે કાબરને કહ્યું - ચાલો બહેન! તૈયાર જ છું. હવે મારી ચાંચ ઘડાઈને બરાબર થઈ ગઈ છે.

કાબર મનમાં ને મનમાં બોલી - તમારી ખોટી દાનતનાં ફળ હવે બરાબર ચાખશો, કાગડાભાઈ!

પછી કાગડો અને કાબર ખેતરે આવ્યાં. કાબર કહે - ભાઈ! તમને ગમે તે ઢગલો તમારો.

કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂંસાંવાળા ઢગલા ઉપર જઈને બેઠા. પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈસાહેબના પગ ઢૂંસાંમાં ખૂંતી ગયાં અને આંખમાં, કાનમાં ને મોઢામાં બધે ઢૂંસાં ભરાઈ ગયાં અને કાગડાભાઈ મરણ પામ્યા!

પછી કાબરબાઈ બધો બાજરો ઘેર લઈ ગઈ. અને ખાધું, પીધું ને મોજ કરી.
Thanks Mavjibhai. Com 

Related Posts:

  • LADTA GHETA AND LALCHU SIYAL લડતાં ઘેટાં અને લાલચુ શિયાળ ગામથી થોડે દૂર એક જંગલ હતું. એમાં એક શિય… Read More
  • BIRBAL NO JANM અકબર અને બિરબલ બિરબલનો જન્મ….           &nb… Read More
  • SAMANY PATHTHAR MA AND PARAS  અકબર અને બિરબલ  સામાન્ય પથ્થરમાં અને પારસ એક વાર એક વૃદ્ધ… Read More
  • EK AANKH NI AJAYABI એક આંખની અજાયબી – કુમારપાળ દેસાઇ         1961ની પ… Read More

0 comments: