Thursday, April 14, 2016

CHIMPI BILLI AND ICE CREAM EK STORY

ચિમ્પી બિલ્લી અને આઈસ્ક્રીમ

 એક હતી બિલ્લી.એનુ નામ ચિમ્પી.એ બહુ જ ધમંડી હતી.એને આઈસ્ક્રીમ બહુ જ ભાવે.આખો દિવસ એ એના મમ્મી-પપ્પા પાસે આઈસ્ક્રીમ જ માગમાગ કરે.એના મમ્મી-પપ્પા એનાથી ખૂબ ત્રાસી ગયા હતા.હજાર વખત એને સમજાવી હતી :'બેટા,રોજરોજ આટલો બધો આઈસ્ક્રીમ ના ખવાય.માપસરનોજ કયારેક ખવાય. પણ ચિમ્પી એટલે ચિમ્પી.એ કોઈની વાત માને જ નહીં.પોતાની જાતને જ સોથી વધારે હોશિયાર માને.મમ્મી-પપ્પાને તો રોજ એ કહેતીઃ'પપ્પા-મમ્મી તમારો જમાનો ગયો.હવે મોર્ડન જમાનો આવ્યો.હું મોર્ડન ચિમ્પી બિલ્લી છું.બિચારા એના મમ્મી-પપ્પા શું બોલે...? એ એનાથી થાકી ગયા હતાં.
આજે ચિમ્પીનો બર્થડે હતો. એટલે એના મમ્મી-પપ્પા એ સવારે ચિમ્પીને એક સરસ ધડિયાળ ગિફટમાં આપી.ચિમ્પીએ કહયુંઃ મમ્મી-પપ્પા મારે ગિફટમાં ઘડિયાળ નથી જોઈતી.મારે તો દરરોજ દિવસમાં પાંચ વખત જુદાજુદા ફલેવરનો આઈસ્ક્રીમ આખું વર્ષ મળતો રહે અવી વ્યવસ્થા ગિફટમાં કરી આપો.આ સાંભળીને ચિમ્પીના મમ્મી-પપ્પાએ પોતાનું માથું કૂટયું.આ મગજની ફરેલી ચિમ્પીને કેવી રીતે સમજાવવી..?
સાંજે ચિમ્પીના મમ્મી-પપ્પાએ એક નાનકડી બર્થડે પાટી પોતાના ઘેર રાખી હતી.પાર્ટીમાં ઘણાબઘા મહેમાન આવ્યા.બધાએ ભેગા થઈને ધામધૂમ પાર્ટી પૂરી થઈ,પાર્ટીમાં ચિમ્પીના જિરાફ ટીચર પણ આવ્યા હતા.ચિમ્પીના મમ્મી-પપ્પાએ જિરાફટિચરને એક બાજુ બોલાવીને ચિમ્પીના 'આઈસ્ક્રીમ-પ્રેમની કુટેવ'વિશે વાત કરી અને કહયું 'તમે અમારી ચિમ્પીને સમજાવો.એ આઈસ્ક્રીમ અઠવાડિયામાં એકજ વખત ખાય..એવું કાંઈક કરો.કોઈક આઈડિયાથી એની આઈસ્ક્રીમ પ્રેમની લત છોડાવો..!!'જિરાફ ટીચરે કહયું : ' તમે ચિંતા ના કરો. આવતીકાલ સ્કૂલમાં એ આવશે એટલે હું એને મારી રીતે ટ્રીટમેંટ આપીને સમજાવી દઈશ..!'
બીજા દિવસે ચિમ્પી સ્કૂલે ગઈ.  જિરાફ ટીંચરે એને એકલી એકબાજુ બોલાવીને કહયું : 'ચિમ્પી તને ભણવામાં તો રસ છે નહી..એટલે મેં તારા મમ્મી-પપ્પા જોડે હમણા જ ફોનથી વાત કરી અને મારી વાત એ માની ગયા છે..વાત એમ છે કે આવતીકાલથી તારે સ્કૂલે આવવાનું નથી પણ આપણી સ્કૂલની બાજુમાં મારા દોસ્તનો જે સૌથી મોટો આઈસ્ક્રીમ પાર્લર છે ત્યાં તારી નોકરી પાકી કરી દીધી છે તારે ત્યાં આખો દિવસ કામ કરવાનું અને જેટલો આઈસ્ક્રીમ ખાવો હોય એટલો આઈસ્ક્રીમ જાતે જ લઈને ખાઈ લેવાનો.કોઈ તને લડશે નહીંઃકોઈને કશું પૂછવાનું નહીં .કામ કરવાનું-આઈસ્ક્રીમ ખાવાનો અને જલસા કરવાના...!!'
ચિમ્પી બિલ્લી તો આ સાંભળીને ખુશખુશ થઈ ગઈ. એણે જિરાફટીચરને કહયુંઃથેંકયૂ સર ! આવતીકાલથી હું સ્કૂલે નહી આવું.આઈસ્ક્રીમ પાર્લરમાં નોકરી કરીશ.મને ભણવાનો કંટાળો આવતો હતો..હાશ  છુટી..થેંકયુ સર..આ ભણવાના ત્રાસમાંથી છોડાવવા બદલ..!!જિરાફ ટીચરે હસતાહસતા ચિમ્પીને 'બેસ્ટ ઓફ લક'કહયું.
ચિમ્પી તો બીજા દિવસે તૈયાર થઈને આઈસ્ક્રીમપાર્લર માં નોકરી કરવા ગઈ. આઈસ્ક્રીંમપાર્લરના માલિક બંટુવાંદરાએ બધુ કામ સમજાવી દીધું અને જેટલો આઈસ્ક્રીમ ખાવો હોય એટલો આઈસ્ક્રીમ ખાવાની છુટ આપી.
ચિમ્પી તો આઈસ્ક્રીમપાર્લરમાં થોડું કામ કરે અને મોટામોટા બાઊલભરીને જુદાજુદા ફલેવરના આઈસ્ક્રીમ ઝાપટે.બે દિવસમાં એણે એટલો આઈસ્ક્રીમ ખાધો જેટલો એણે આ પહેલા એની નાનકડી જિંદગીમાં કયારેય નહોતો ખાધો.
ચિમ્પીએ બે દિવસ નોકરી કરી.ખૂબજ આઈસ્ક્રીંમ ઝાપટયો.અને પછી જે થવાનું હતું તેજ થયું.ખૂબ શરદી-ખાંસી-ગળાનું ઈન્ફેક્શન થઈ ગયા.  એટલામાં આઈસ્ક્રીમ પાર્લરમાંથી બંટુ વાંદરાનો ફોન આવ્યોઃ  ચિમ્પીને નોકરીએ મોકલો.આજે એ નહિ આવે તો નોકરીમાંથી એને હું કાઢી મૂકીશ...! ચિમ્પીએ રડતા રડતા કહયું : તેલ લેવા ગઈ આઈસ્ક્રીમ પાર્લરની નોકરી.. હવેથી હું સ્કૂલે જઈશ,નોકરી કરવા નહી જાઊ.ખૂબ જ ભણીગણીને ડોકટર બનીશ.આજથી હંમેશા માટે આઈસ્ક્રીમ ખાવાનું બંધ ..! આ સાંભળીને ચિમ્પીના મમ્મી-પપ્પા ખુશખુશ થઈ ગયાં.પછી એમણે જિરાફટીચરને મળીને એમનો ખૂબખૂહ આભાર માન્યો.
- દિગ્ગજ શાહ

0 comments: