Friday, February 9, 2018

Gujarati story soneri noliyaani bal varta સોનેરી નોળીયાની બાળવાર્તા

સોનેરી નોળિયાની વાર્તા

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થતાં જયેષ્ઠ પાંડવ યુધિષ્ઠિર ભારત વર્ષના રાજા બન્યા. એમણે અશ્વમેઘ યજ્ઞ દ્વારા વિશાળ સામ્રાજયનું આધિપત્ય મેળવ્યું અને એમના રાજની સફળતાપૂર્વક શરૂઆત કરી. તેઓ અવારનવાર ગરીબો અને ભૂખ્યા લોકો માટે મિજબાનીઓનું આયોજન કરતા. ગરીબો અને બ્રાહ્મણોને ભોજન તથા દાન આપીને એમને ગર્વ થતો.

એક વખત આવો ભોજન સમારંભ યોજયા બાદ યુધિષ્ઠિર વિચારતા હતા કે દુનિયામાં એમના જેવો બીજો કોઈ રાજા હશે જે આવું દાનપૂણ્ય કરતો હોય? શ્રીકૃષ્ણ સમજી ગયા કે યુધિષ્ઠિર મનમાં શું વિચારી રહ્યા છે. શ્રીકૃષ્ણએ તરત જ એક લીલા રચી!

મહેમાનોએ ભોજન લઇ વિદાઈ લીધી પછી ભોજનમંડપમાં જયાં ભોજન લેવાયું હતું તે જગ્યાએ થોડું વધેલું અન્ન વેરાયેલું હતું. શ્રીકૃષ્ણ, યુધિષ્ઠિર અને અન્યો મહેલની અટારીમાં બેઠા હતા ત્યાંથી એમણે જોયું કે એક નોળિયો ક્યાંકથી આવ્યો અને જયાં અન્ન વેરાયેલું હતું ત્યાં દોડી ગયો. આ નોળિયો વિશિષ્ઠ લાગ્યો કારણકે એનું અડધું શરીર સોનેરી હતું! આ નોળિયો આમ થી તેમ દોડાદોડી કરતો હતો અને ખુબ જ અજંપામાં લાગતો હતો. યુધિષ્ઠિરે એને બોલાવીને પૂછ્યું કે એને શેનો અજંપો છે અને કઈ વાતની તકલીફ છે? નોળિયો બોલી શકતો હતો. એણે એક વાત કહી.

એણે એક સમયની વાત કહી જયારે ચારેકોર ભીષણ દુકાળ પડ્યો હતો અને ભયંકર ભૂખમરો થયો હતો. ખોરાકની અછત સર્જાતાં જીવનનિર્વાહ અત્યંત મુશ્કેલ બની ગયો હતો. આ નોળિયો ખોરાકની શોધમાં એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં જઈ ચડ્યો. ત્યાં બ્રાહ્મણની પત્ની કાંઇક રાંધતી હતી એટલે એ રસોડામાં કાંઇક ખાવાનું વધે એની રાહ જોવા લાગ્યો.

બન્યું હતું એવું કે બ્રાહ્મણ અને એના કુટુંબે કેટલાય દિવસોથી કાંઈ જ ખાધું નહોતું. ભિક્ષામાં થોડું અનાજ મેળવવા એણે ઘણો પ્રયત્ન કર્યો હતો પણ કાંઈ જ ન મળતાં તેઓ સાવ જ ભૂખ્યા રહેતા. નસીબ જોગે આજના દિવસે એને ઘઉંનો થોડો લોટ મળ્યો એટલે એ રાજી થતો ઘરે આવ્યો અને વિચારવા લાગ્યો કે આજે ઘણે દિવસે મને અને મારા કુટુંબને - મારી પત્ની, પુત્ર, પુત્રવધૂ ને કાંઈક ખાવા મળશે.

બ્રાહ્મણે સાંજની પૂજા કરી અને એના કુટુંબ સાથે જમવા બેઠો. જમવામાં ફક્ત ચાર જ રોટલી હતી એટલે દરેકને ભાગે ફક્ત એક જ રોટલી આવે એમ હતું! તેઓ જમવાની હજુ તો શરૂઆત જ કરતા હતા એવામાં દ્વાર પર એક ભિક્ષુક આવ્યો.

ભિક્ષુક ભૂખથી મરી રહ્યો હતો એટલે એણે તાત્કાલિક કાંઇક ખાવાનું આપવા કહ્યું. બ્રાહ્મણ માટે તો આ સત્યની કસોટી હતી! એક બાજુ એનું પોતાનું કુટુંબ ભૂખથી પીડાતું હતું અને અહીં ગૃહસ્થ ધર્મનું આચરણ કરવાનું હતું! ગૃહસ્થ માટે તો "અતિથી દેવો ભવ" - આંગણે આવેલ અતિથી તો ભગવાન ગણાય. એને યોગ્ય સત્કાર કર્યા વિના પાછો ન મોકલાય. ભૂખ્યા બ્રાહ્મણે એની પત્નીને કહ્યુંકે એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દે.  ભિક્ષુકે એક રોટલી ખાધી અને કહ્યુંકે, "અરે! આ રોટલી ખાઈને તો મારી ભૂખ ઉઘડી ગઈ. મને થોડું વધારે ખાવા આપો".

બ્રાહ્મણની પત્નીએ એના પોતાના ભાગની રોટલી પણ ભિક્ષુકને આપી દીધી. એણે વિચાર્યું કે પોતાના પતિ સાથે જવાબદારી નિભાવવાની એની ફરજ હતી. ભિક્ષુક હજુ ધરાયો નહોતો. એણે વધુ ખાવાનું માંગ્યું. બ્રાહ્મણના પુત્રએ પોતાના ભાગની રોટલી પણ આપી દીધી. ભિક્ષુક હજુ પણ ભૂખ્યો હતો એટલે બ્રાહ્મણની પુત્રવધૂએ પણ એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દીધી. આ કુટુંબના જીવનની આ અંતિમ કસોટી હતી.

હવે ભિક્ષુકની ભૂખ શાંત થતાં એણે સંતોષ સાથે વિદાઈ લીધી. પરંતુ બ્રાહ્મણનું કુટુંબ હવે ભૂખ સહન કરી શકે એમ નહોતું. એક પછી એક ચારેય જણ મૃત્યુ પામ્યા! હેબતાઈ ગયેલા નોળિયાએ આ આખી ઘટના જોઈ. એ પોતે પણ ભૂખથી મરી રહ્યો હતો એટલે એ રસોડામાં થોડો લોટ પડ્યો હતો ત્યાં દોડી ગયો. એના શરીરનો થોડો ભાગ આ લોટને અડક્યો અને એણે આશ્ચર્ય સાથે જોયું કે એટલો ભાગ સોનેરી થઇ ગયો હતો! ત્યારથી આ નોળિયો ફરીવાર આવો ચમત્કાર થાય એની પ્રતીક્ષા કરી રહ્યો હતો. જેટલા પણ યજ્ઞ થતા હોય ત્યાં એ એવી આશા સાથે પહોંચી જતો કે એના શરીરનો બાકીનો ભાગ પણ સોનેરી થઇ જાય. પણ એને કોઈ સફળતા નહોતી મળતી.

આજે એને એમ હતું કે આટલા લાંબા સમયની એની પ્રતીક્ષાનો હવે અંત આવી જશે. આખી દુનિયામાં યુધિષ્ઠિર જેવું દાનેશ્વરી બીજું કોઈ જ નહોતું એટલે એમના યજ્ઞમાં તો આવો ચમત્કાર થવાની શક્તિ હોય જ. પરંતુ આવું ન થયું! વારંવાર વધેલા અન્નમાં આળોટ્યા કર્યું છતાં પણ એનું શરીર સોનેરી ન થયું. નોળિયો ખુબ જ હતાશ થઇ ગયો.

આ વાત પરથી યુધિષ્ઠિરને સ્પષ્ટ સંદેશ મળી ગયો. એમને ખ્યાલ આવી ગયો કે પેલા ગરીબ બ્રાહ્મણ કુટુંબે કરેલું દાન ઘણું જ ચઢિયાતું હતું. યુધિષ્ઠિર પાસે તો ધનનો ભંડાર હતો છતાં એમણે તો એમાંથી થોડો ભાગ જ દાન કર્યો હતો. જયારે બ્રાહ્મણના ભૂખથી મરતા કુટુંબ પાસે તો ફક્ત ચાર રોટલીઓ જ હતી જે એમને જીવાડવા અત્યંત જરૂરી હતી. તો પણ એમણે ઈશ્વર પરની શ્રદ્ધા અને એમના ગૃહસ્થ ધર્મને માટે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું!
Source 
http://gujarativaraso.blogspot.in/p/blog-page_53.html?m=1

0 comments: