Thursday, April 14, 2016

BAGLO UDI GAYO JAPAN NI LOK KATHA

બગલો ઊડી ગયો
જાપાનની લોકકથા

      જાપાનમાં એક સાધારણ ભરવાડ હતો. તેનું નામ મૂસાઇ. એક દિવસે તે ગાયો ચરાવતો હતો, ત્યારે એક બગલો ઊડતો ઊડતો આવ્યો અને તેના પગ પાસે પડયો. મૂસાઇએ બગલાને ઉપાડી લીધો. કદાચ બાજે બગલાને ઘાયલ કર્યો હતો. ઊજળી સફેદ પાંખો પર લોહીના લાલ- લાલ ટીપાં હતા. બિચારું પક્ષી વારંવાર મોં ફાડી રહ્યું હતું.

મૂસાઇએ પ્રેમથી તેના પર હાથ ફેરવ્યો. પાણી પાસે લઇ જઇને તેની પાંખો ધોઇ. થોડું પાણી ચાંચમાં નાખ્યું. પક્ષીમાં હિંમત આવી. થોડી વારમાં તે ઊડી ગયું.
આ બનાવ બન્યાના થોડા દિવસો બાદ એક સુંદર ધનવાન છોકરીએ મૂસાઇની માતાને વિનંતી કરી અને એથી મૂસાઇનું લગ્ન થઇ ગયું.

મૂસાઇ ઘણો ખુશ હતો. તેની પત્ની ઘણી સારી હતી. તે મૂસાઇ અને તેની માતાની મન લગાવીને સેવા કરતી હતી. તે ઘરનું બધું કામ જાતે જ કરી લેતી હતી. મૂસાઇની માતા તો પોતાના દીકરાની વહુના વખાણ જ આખા ગામમાં કરતી રહેતી હતી. તેણે ઘરના કોઇ કામમાં જરા જેટલો પણ હાથ લગાવવો પડતો ન હતો.

ભાગ્યની વાત, તે દેશમાં દુકાળ પડયો. ખેતરોમાં કશું નીપજ્યું નહી. મૂસાઇ મજૂરીની શોધમાં માતા અને પત્ની સાથે ટોકિયો શહેરમાં આવ્યો. મજૂરી જલદી થોડી મળે છે ? મૂસાઇની પાસે હતા તે પૈસા ખરચાઇ ગયા હતા. તેણે ઉપવાસ કરવા પડયા. ત્યારે તેની પત્નીએ કહ્યું- ''હું મલમલ બનાવી આપું છું, તમે તે વેચજો. પણ જ્યારે હું મલમલ વણતી હોઉં ત્યારે મારા ઓરડામાં કોઇએ આવવું નહી.''

મૂસાઇને કશું સમજાયું નહી. તે જાણતો ન હતો કે તેની પ્તની મલમલ કેવી રીતે બનાવશે. પણ મૂસાઇ સરળ સ્વભાવનો હતો. તેને પોતાની પત્ની પર પૂરો ભરોસો હતો. તેની પત્ની પહેલા ક્યારેય જૂઠું બોલી ન હતી. વળી, પાસે પૈસા પણ હતા નહી. કોઇ પણ રીતે પૈસા મળે એવો રસ્તો નીકળે તો ઘરનું કામ ચાલે.

મૂસાઇએ પત્નીની વાત ચૂપચાપ માની લીધી. પત્ની જો તેની પાસેથી કશું માંગતી નથી તો તેની વાત માની લેવામાં નુકસાન પણ શું હતું ? તેણે પોતાની માતાને કહી દીધું કે જ્યારે તેની પત્ની પોતાનો ઓરડો બંધ કરી લે ત્યારે કોઇએ તેને બોલાવવી નહી અને ન તો તેના ઓરડામાં પણ જવું.

દૂધ જેવું ઊજળું સફેદ મલમલ અને તેના પર નાનાં- નાનાં લાલ-લાલ ટપકાં ! મૂસાઇની પત્નીએ જે મલમલ બનાવ્યું તે અદ્ભૂત હતું. રેશમ જેવું ચમકતું હતું. ઘણું મુલાયમ હતું. જ્યારે મૂસાઇ તેને વેચવા ગયો ત્યારે ખુદ રાજા મિકાડોએ તે મલમલ ખરીદી લીધું. મૂસાઇને સોનામહોરો મળી. હવે તો મૂસાઇ ધનવાન થઇ ગયો. તેની પત્ની મલમલ બનાવતી હતી અને તે તેને વેચી આવતો હતો.

એક દિવસે મૂસાઇએ વિચાર્યું- ''મારી પત્ની નથી લેતી રૃ અને નથી તો લેતી રંગ પણ, તો પછી તે મલમલ બનાવે છે કેવી રીતે ?''

મૂસાઇ સંતાઇને બારીમાંથી જોવા ગયો, જ્યારે કે તેની પત્નીએ મલમલ બનાવવાનો ઓરડો બંધ કરી દીધો હતો. મૂસાઇએ જોયું- ઓરડામાં તેની પત્ની નથી, એક ઊજળો- સફેદ બગલો બેઠો છે. તે પોતાની પાંખમાંથી પાતળો તાર ચૂંટે છે અને પંજાઓથી મલમલ વણે છે ! તેના ગળા પર ઘા થયેલો છે. ઘામાંનું લોહી તે પંજાથી વસ્ત્ર પર છાંટીને ટપકા મૂકે છે. મૂસાઇએ સમજી લીધું કે તે જ બગલો આ સ્ત્રી બન્યો છે અને મને ઉપકારનો બદલો વાળી રહ્યો છે.

મૂસાઇને ઘણું આશ્ચર્ય થયું. એક નાના બગલાએ ઉપકારનો આવો બદલો વાળ્યો છે. એ વિચારતાં તેનું હૈયું ભરાઇ આવ્યું. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે જ્યાંનો ત્યાં જ ઊભો રહી ગયો (સ્તબ્ધ બની ગયો) તે પેલી વાત જ ભૂલી ગયો કે તેની પત્નીએ મનાઇ કરી હતી કે મલમલ વણતી વખતે તેને કોઇએ જોવી નહી. તેને તો એ પણ યાદ ન રહ્યું કે પોતે અહી શા માટે ઊભો છે !

એ જ સમયે મૂસાઇની માતાએ તેને બૂમ પાડી બોલાવ્યો. મૂસાઇ બોલી ઊઠયો. બગલો ચોંકી ઊઠયો અને બારીમાં થઇને ઊડી ગયો.
Source Gujarat samachar 

0 comments: