Saturday, January 23, 2016

MRUTYU MARI GAYU re lol Part 1

મૃત્યુ મરી ગયું રે લોલ

        મૃત્યુ તો જિંદગી સાથે લાગેલું જ છે. જન્મ લેનાર દરેકને વહેલું મોડું મરવું જ પડે છે. પણ બાળક માર્કંડેયની વાત ગજબની નીકળી. એક બાજુ તેનો જન્મ થયો, બીજી બાજુ તેના મૃત્યુની દોડ શરૂ થઈ ગઈ. જિંદગીની પાછળ મૃત્યુ પડી જ ગયું. જન્મ વખતે પિતાજીએ ગ્રહો જોવડાવ્યા. પિતા જાતે મોટા ઋષિ હતા. છતાં તેમણે પોતાનાથી વધુ જ્ઞાની જ્યોતિષીઓને બોલાવ્યા હતા. જ્યોતિષી કહે : ‘છોકરો કાઢે તો બારે લોકમાં નામ કાઢે…’
પિતાએ પૂછ્યું : ‘કાઢે તો નામ કાઢે એ વળી શું ?’
ડરતાં અચકાતાં જ્યોતિષી કહે : ‘એટલે કે છોકરો ઘણો તેજસ્વી છે પણ તેની આયુષ્યરેખા ઘણી નબળી છે. તે સાત વર્ષની ઉંમર પછી એક ક્ષણ પણ જીવી શકે તેમ નથી.’
પિતાને પણ એ ડર તો હતો જ. એ ડર સાચો પડ્યો. અરેરે ! હવે શું થાય ? શું આવો હેમ જેવો રૂડો-રૂપાળો પુત્ર માત્ર સાત જ વર્ષની ઉંમરમાં મૃત્યુ પામશે ? તેમણે જ્યોતિષીના પગ પકડ્યા. પૂછ્યું : ‘મહારાજ, મૃત્યુ નિશ્ચિત છે એ હું જાણું છું. પણ આટલી નાની વયમાં બાળક મરી જાય એ મારાથી સહન થતું નથી. એ કંઈક બને, કંઈક કરે, સમાજ તથા દુનિયાને ઉપયોગી થાય, પોતાને જે મુશ્કેલી પડી છે એમાંથી દુનિયાને માર્ગ બતાવે, બસ એટલું કરીને મરે તો વાંધો નથી. માણસે જીવીને ઠાલા મરવું જોઈએ નહિ. સંસાર માટે એણે કંઈક તો કરવું જ જોઈએ. પોતે પોતાનું જીવન જીવીને મરે એ પણ સ્વાર્થી છે. બીજાને માટે જીવીને મરે એવું એ કંઈ કરી શકે, એટલું આયુષ્ય એને બક્ષો. એ માટેનો કોઈ માર્ગ બતાવો.’
જ્યોતિષી કહે : ‘ઋષિરાજ ! આપે કેટલી સુંદર જ્ઞાનવાણી ઉચ્ચારી છે ! આપને મળીને તો અમે ધન્ય થઈ ગયા. આપનું જ્ઞાન ખરેખર અદ્દભુત છે પણ જિંદગી અને મોતના ગ્રહો પર કોઈનું કંઈ ચાલી શકે છે ? છતાં… આશીર્વાદમાં મહાન શક્તિ છે. એથી બીજું તો અમે શું કહીએ ?’ ઋષિ પિતાને જ્યોતિષીઓને ખુશ કરીને વિદાય કર્યા. પણ તેમણે બાળકને જીવાડવા માટે એક જ મંત્ર અમલમાં આણ્યો : આશીર્વાદમાં મહાન શક્તિ છે. એટલે જે કોઈ તેમને મળવા આવતા તેમના ખોળામાં તેઓ બાળકને મૂકી દેતા. છોકરો ખૂબ આનંદી હતો. ખોળામાંના બાળકને જોતાં જ મહેમાન બોલી ઊઠતા : ‘કેવો આનંદી છોકરો છે ! બેટા, સો વર્ષનો થજે !’
એ રીતે બાળક માર્કંડેય આશીર્વાદ ઉપર આશીર્વાદ મેળવતો ગયો. પિતાજી એને સાથે જ રાખતા. કોઈકના ચરણકમળમાં તેને ગોઠવી દેતા, કોઈના ખોળામાં, કોઈના હાથમાં આપી દેતા અને કોઈને ખભે મૂકી દેતા. એ બધાંના મોઢામાંથી શબ્દો નીકળી જતા : ‘બેટા, સો વર્ષનો થજે.’ એમ કરતાં કરતાં બાળક માર્કંડેય જાતે પણ ચાલતો-બોલતો થયો. હવે તે જાતે જ નમન-વંદન કરતો. પિતાએ તેને એક જ વાત શિખવાડી હતી : ‘નમ્યા તે સહુને ગમ્યા. નમન કર બેટા. વંદન કર. આશીર્વાદ જેટલા ભેગા થશે એટલો લાભ વધુ મળશે.’ માર્કંડેય તો આશીર્વાદ મેળવતો મોટો થવા લાગ્યો. જે કોઈ તેને જોતું તે રાજી રાજી થઈ જતું. ઓહો ! કેટલો ભલો છોકરો છે ! કેટલો નમ્ર ! કેટલો વિવેકી !
સાત વર્ષ સુધીમાં તો માર્કંડેય દુનિયાભરનો લાડીલો બાળક બની ગયો. પણ હવે જ ચિંતા શરૂ થતી હતી. માર્કંડેયને તો એના પિતાએ કંઈ જણાવ્યું જ ન હતું; એટલે એ તો હસતો રમતો જ મોટો થતો હતો. એનું તો એક જ કામ હતું, નમન, વંદન કરવા અને આશીર્વાદ મેળવવા. આમ, સાતમું વર્ષ શરૂ થયું. ધીરે ધીરે આગળ વધવા લાગ્યું અને પૂરું પણ થવા લાગ્યું. આનંદી બાળકના દેહમાં કોઈ રોગ ન હતો. તાવતરિયો નહિ, અસુખ નહિ, અરે માથાનો દુખાવોય નહિ. મોતનાં કોઈ ચિહ્ણ દેખાતાં ન હતાં. છતાં ગ્રહોની માયાને કોણ સમજી શક્યું છે ? પિતાની ધડકનો તો વધતી જ જતી હતી. જેમ જેમ પુત્ર વધુ હસતો તેમ તેમ તેઓ વધુ મુરઝાઈ જતા. તેમને થતું કે : આ બધું હવે થોડા સમયનું છે. આ હસતું વદન હવે થોડી ઘડી પછી હસતું બંધ થઈ જશે. મારો આવો સરસ, સૂરજના તેજ અને ચંદ્રની ચાંદનીમાંથી બનેલો બાળક, જોતજોતામાં મૃત્યુ પામશે. તેઓ આવી વ્યથા અનુભવતા હતા ત્યાં જ તેમને બારણે ચાર ઋષિ આવ્યા. ઓહોહો ! એ ઋષિઓ તો ખરેખરા ઋષિઓ હતા. બલકે ઋષિઓમાં શ્રેષ્ઠ, તપસ્વીઓમાં શ્રેષ્ઠ અને પંડિતોમાં શ્રેષ્ઠ.
Thanks to readgujarati.com

Related Posts:

0 comments: